શંકરસિંહ કોંગ્રેસથી નારાજઃ ભાજપનો ૧૫ કોંગ્રેસી ધારાસભ્યોને ખેંચવા પ્રયાસ

Wednesday 14th June 2017 08:50 EDT
 
 

ગાંધીનગરઃ વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ હાઈ કમાન્ડ સામે માથું ઊંચકી રહ્યા છે ત્યારે ભાજપે પરિસ્થિતિનો લાભ લઈને કોંગ્રેસના પંદર જેટલા ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવાનો તખ્તો તૈયાર કર્યો છે. કોંગ્રેસના આ પંદર ધારાસભ્યો પૈકીના મોટા ભાગના શંકરસિંહની ‘હા’ માં ‘હા’ ભણનારા છે.
શંકરસિંહના ધારાસભ્યપુત્ર મહેન્દ્રસિંહે વર્ષોથી ભાજપના ટોચના નેતાઓ સાથે ઘરોબો કેળવ્યો છે. જોકે સ્વાભાવિક રીતે તેઓ હાલની સ્થિતિમાં પિતાના પગલે ચાલશે. મહેન્દ્રસિંહ બારૈયા, પી. આઈ. પટેલ તથા સી. કે. રાઉલને શંકરસિંહના કારણે ધારાસભ્ય પદ મળ્યું છે એટલે આ ત્રણે શંકરસિંહને અનુસરશે તે નક્કી છે. દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીનને પણ શંકરસિંહને લીધે જ ટિકિટ મળી છે, પરંતુ તેઓ જો ભાજપમાં ભળે તો તેમનું રાજકારણ પૂરું થઈ જવાનો ડર છે. મૂળે ભાજપનું બેકડ્રોપ ધરાવતા જામનગર ગ્રામીણના રાઘવ પટેલ અને બાલાસિનોરના માનસિંહ ચૌહાણ ૧૯૯૬માં બળવા વખતે શંકરસિંહ જૂથમાં સામેલ થયા હતા, પરંતુ એ પછી ઘણા પાણી વહી ગયા છે અને સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. રાઘવ પટેલ કોંગ્રેસથી ઘણા નારાજ છે, પણ આજની તારીખે શંકરસિંહના કહેવાથી આંધળુકિયું કરે એ વાતમાં કોઈ માલ નથી. તો માનસિંહ ચૌહાણ પણ પાકટ ઉંમરને લીધે, શંકરસિંહ તરફ એમને કુણી લાગણી હોવા છતાં પક્ષપલટો કરવાના મૂડમાં નથી.
દહેગામના ધારાસભ્ય કામિનીબહેન રાઠોડ સાથે સૌરાષ્ટ્રના ત્રણ ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેરામણ આહીર તથા ભોળાભાઈ પટેલને પોતાની તરફ ખેંચવા ભાજપ પ્રયત્નશીલ છે. જસદણના ભોળાભાઈને કોંગ્રેસના પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયાને કારણે એન્ટ્રી મળી છે. જો નેતા ભાજપમાં ભળશે તો એમના પગલે ભોળાભાઈનું પણ નક્કી માનવામા આવે છે. ખંભાળિયાના મેરામણ અને જામનગર ઉત્તરના ધર્મેન્દ્રસિંહ આમ તો કોંગ્રેસના છે, પણ શંકરસિંહ તરફ વધારે ઢળેલાં છે. ખંભાળિયામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમ માડમ પોતાના પરિવારમાં ટિકિટ ફાળવણી ઈચ્છતા હોઈ મેરામણ આહીરને ખેંચવા ભાજપ માટે આસાન બની રહેશે તેમ માનવામાં આવે છે.
અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર અને બોરસદના રાજેન્દ્રસિંહ પરમારના સમીકરણો જુદાં છે. આ બંને ધારાસભ્યોને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે બોલવાના પણ સંબંધ ના હોઈ તેઓ શંકરસિંહથી ઘણાં નજીક છે. સૂત્રો કહે છે કે, સિનિયર નેતા રામસિંહ માટે ધારાસભ્યપદ કરતાં અમૂલ ડેરીનું ચેરમેનપદ મહત્ત્વનું છે. જ્યાં બોર્ડમાં મોટાભાગના કોંગ્રેસના આગેવાનો સામેલ છે.

ભાજપનું નિશાન

• મહેન્દ્રસિંહ વાઘેલા (મેઘરજ)

• મહેન્દ્રસિંહ બારૈયા (પ્રાંતિજ)

• પ્રહલાદ પટેલ (વિજાપુર)

• માનસિંહ ચૌહાણ (બાલાસિનોર)

• રામસિંહ પરમાર (ઠાસરા)

• રાજેન્દ્રસિંહ પરમાર (બોરસદ)

• સી. કે. રાઉલ (ગોધરા)

• ગ્યાસુદ્દીન શેખ (દરિયાપુર)

• કામિનીબહેન રાઠોડ (દહેગામ)

• મેરામણ આહિર (ખંભાળિયા)

• રાઘવ પટેલ (જામનગર ગ્રામીણ)

• હર્ષદ રિબડિયા (વિસાવદર)

• ધર્મેન્દ્રસિંહ જાડેજા (જામનગર ઉત્તર) 

• ભોળાભાઈ ગોહિલ (જસદણ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter