અમદાવાદઃ કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા આઠમીએ શંકરસિંહ વાઘેલાને મળવા તેમના ગાંધીનગરસ્થિત ઘરે વસંત વગડો પહોચ્યા હતા. ભાજપ સત્તાવાર રીતે રૂપાલાની આ મુલાકાતને સંપર્ક સમર્થન કાર્યક્રમ હેઠળ થઈ હોવાનું જણાવી રહ્યા છે, પણ દસ દિવસ પહેલા શંકરસિંહ વાઘેલા અને શરદ પવાર વચ્ચે મુંબઈમાં થયેલી બેઠક બાદ ભાજપના નેતાઓને ફાળ પડી હોવાને કારણે બાપુ ફરી પોતાના મૂળ સ્વભાવ પ્રમાણે કોઈ નવાજૂની કરે નહીં તે માટે બાપુ સાથે ભાજપના નેતાઓ સંપર્ક વધારી રહ્યા છે.
કોંગ્રેસ સાથે છેડો ફાડવાનું કોઈ દેખીતું કારણ શંકરસિંહ પાસે નહોતું વાઘેલા જયારે ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા ત્યાર બાદ તેમને કોંગ્રેસે સાંસદ બનાવ્યા, કેન્દ્રીય પ્રધાન બનાવ્યા, પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતા બનાવ્યા આમ છતાં અન્યાય થઈ રહ્યો છે તેવી ફરિયાદ કરી તેમણે કોંગ્રેસ સાથે ફારગતી લીધી હતી, જો કે કોંગ્રેસ છોડતા પહેલા તેમનું પોત રાજયસભાની ચૂંટણીમાં જ પ્રકાશ્યું હતું, કોંગ્રેસ છોડયા પછી બાપુ માનતા હતા કે ભાજપ તેમની કદર કરશે પરંતુ ભાજપે પણ પોતાના સ્વભાવ પ્રમાણે ઉપયોગ કરી તેમને હાથ છોડી દીધો હતો. રાજયના પ્રધાનમંડળમાં પણ બાપુના કોઈ માણસોને સમાવવામાં આવ્યા નહીં, જેના કારણે તેઓ પણ બાપુ પાસે પોતાની ફરિયાદ લઈ જતાં બાપુ પણ માનતા હતા કે કોઈ રાજયનું રાજયપાલ પદ તેમને મળશે પણ વખાણેલી ખીચડી દાઢે વળગી હતી. આ દરમિયાન બાપુ દસ દિવસ પહેલા મુંબઈ ગયા ત્યારે શરદ પવાર સાથે એક મિટીંગ થઈ હતી. ૨૦૧૯ની ચૂંટણીના સંદર્ભમાં ભાજપ સામે રચાઈ રહેલી ધરીમાં શરદ પવારની ભૂમિકા મહત્ત્વની છે ત્યારે પવાર અને બાપુ વચ્ચે કઈક રંધાઈ રહ્યું છે તેવુ ભાજપ માની રહ્યું છે.


