ગાંધીનગરઃ કોંગ્રેસ સાથે છેડો ફાડનારા વિરોધપક્ષના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ ૧૬મી ઓગસ્ટે અંતે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં વાઘેલાએ વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરાને રાજીનામું સુપરત કર્યું હતું. વાઘેલાએ કોઈપણ રાજકીય પક્ષની કંઠી કે ખેસ ન પહેરવાનો નિર્ણય જાહેર કરતા કહ્યું છે કે, તેઓ રાજકીય પક્ષમાંથી મુક્ત થઈ રહ્યા છે, રાજકારણમાંથી નહીં. વિધાનસભાની આગામી ચૂંટણીમાં સક્રિય ભૂમિકા બજાવવાની જાહેરાત તેમણે કરી છે. અલબત્ત, વાઘેલાના રાજીનામા વખતે મુખ્યપ્રધાન સહિતના ભાજપના વરિષ્ઠ પ્રધાનોની હાજરી સૂચક મનાય છે.
કોંગ્રેસમાંથી મુક્ત થયા બાદ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટિંગ કરીને કોંગ્રેસ સામે ખુલ્લો બળવો પોકારનારા શંકરસિંહ વાઘેલાએ ૧૬મીએ સાંજે પાંચ વાગે અધ્યક્ષને પોતાનું રાજીનામું સુપરત કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમના મતવિસ્તાર કપડવંજના મતદારો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ગુજરાતના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવતા રહેવાનો નિર્ધાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, તેઓ ભાજપ, કોંગ્રેસ, એનસીપી કે આપ સહિતના કોઈપણ રાજકીય પક્ષમાં જોડાવાના નથી કે નવો રાજકીય પક્ષ પણ રચવાના નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, તેઓ કોઈ રાજકીય પક્ષમાં નથી, તેઓ કોઈ રાજકીય પક્ષના બંધનમાં રહેવા માગતા નથી, પરંતુ રાજકારણમાં છે જ. વિધાનસભાની આગામી ચૂંટણીમાં તેઓ મહત્ત્વની ભૂમિકા અદા કરશે એમ જણાવી તેમણે કહ્યું કે, તેઓ GDP એટલે કે, ગુજરાત-ગ્રોથ, ડેવલપમેન્ટ અને પબ્લિક-પ્રોગ્રેસ માટે રાજકારણમાં સક્રિય રહેશે.
રાજીનામું આપ્યા બાદ તેમનું ભાવિ પગલું શું હશે? તેવા સવાલના જવાબમાં વાઘેલાએ કહ્યું કે, ગુજરાતના નાગરિકોના હિતમાં જ્યાં અને જ્યારે જરૂર પડે ત્યારે તેઓ અવાજ ઉઠાવશે. સાથોસાથ સ્પષ્ટતા કરતા કહ્યું કે, હવે તેમને પ્રજા સિવાય અન્ય કોઈની પણ મહેરબાની જરૂર નથી.
નોંધનીય છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની વિરુદ્ધમાં મતદાન કરીને જાહેરમાં તેનો એકરાર કરનારા વાઘેલા ક્યારે રાજીનામું આપે છે? ક્યા રાજકીય પક્ષમાં જાય છે? તેઓ રાજકારણમાં સક્રિય રહેશે કે નિવૃત્તિ જાહેર કરશે? વગેરે જેવા અનેક સવાલો રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા હતા, પરંતુ વાઘેલાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ રાજકારણમાં સક્રિય રહેવાનું એલાન કરીને એક રીતે તેમના ટેકેદારોને સધિયારો આપવાનો પ્રયાસ કર્યો છે.


