ગાંધીનગરઃ જન વિકલ્પ મોરચાના મેન્ટર શંકરસિંહ વાઘેલાએ નવરાત્રીના પ્રથમ દિવસે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યાં હતાં. વાસણિયા મહાદેવથી અંબાજી સુધીની યાત્રા તેમણે કાઢી હતી. શંકરસિંહ વાઘેલાએ માતાજીના દર્શન કરીને કહ્યું હતું કે, પ્રજા પોતાના ઉમેદવારને પસંદ કરે, તે ચૂંટાય અને પ્રજાના પ્રશ્નનો હલ કરે તેવો મારો પ્રયાસ છે અને તેવી પ્રાર્થના મેં કરી છે.
ગાંધીનગરના વાસણિયા મહાદેવના દર્શન કરીને પ્રચારનો આરંભ કરતા વાઘેલાએ કહ્યું હતું કે પ્રજા ભાજપથી ત્રસ્ત છે અને કોંગ્રેસ વિકલ્પ પૂરો પાડતી નથી. આવા સંજોગોમાં ત્રીજા મોરચા તરીકે જન વિકલ્પ મોરચો પ્રજાની વેદનાનો વિકલ્પ બનશે. તેમણે કહ્યુ હતું કે એક અનોખા પ્રયોગ વડે પ્રજાના પ્રશ્નનો નિવેડો લાવવાનો પ્રયાસ છે.
ગાંધીનગરથી નીકળેલા શંકરસિંહે ખેડબ્રહ્મા દર્શન કર્યા બાદ અંબાજીમાં મા અંબાના દર્શન કરી કાર્યકરો સાથે રોડ શો યોજી દાંતા રાજવી પરિવાર સાથે મુલાકાત લઇ છાપી અને મગરવાડા મણીભદ્રવીર મહારાજના દર્શન કર્યાં હતાં. તેઓએ અંબાજીમાં જણાવ્યું હતું કે, મેં જન વિકલ્પ મોરચો દિલ્હી અને ગુજરાતની સરકારથી થાકીને ઉભો કર્યો છે. ૧૮૧ બેઠકો પર લડવા હાલ વિચાર્યું નથી સમય આવ્યે લડીશું.
જન વિકલ્પની રચના
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ જન વિકલ્પ પક્ષની રચના વિશે કહ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસનું ફ્કિસિંગ હતું જેથી મેં બળવંતસિંહ રાજપૂતને મત આપ્યો હતો. તેમણે સ્વીકાર પણ કર્યો હતો કે, મેં અહેમદ પટેલને મત આપવાનું જાહેર કર્યું હતું, પણ કોંગ્રેસે મને કહેવડાવ્યું કે તમે રાજીનામું ધરી દો. અમને મત મળ્યા બરાબર જ છે. હું રાજીનામું પણ આપવાનો હતો, પણ અધ્યક્ષે કહ્યું હતું કે, સભાગૃહની બેઠક છે એટલે મેં રાજીનામું આપવામાં મોડું કર્યું હતું. મને તો એ વાતની પણ નવાઈ લાગી કે અડધી રાત્રે ઈલેક્શન કમિશનની ઓફિસ ચાલતી હતી. આવું કેમ? આ તો રિટનીંગ ઓફિસરનો અધિકાર છે, પણ પછી મેં નિર્ણય લીધો કે સમજીને વોટ આપું. તેમણે કહ્યું કે, કોંગ્રેસને મુક્ત કર્યા પછી ભાજપ-કોંગ્રેસ સામે ત્રીજા વિકલ્પ માટે થયેલા સરવેમાં મુખ્ય પ્રધાન કોણ હોઈ શકે? એહમદ પટેલ, ભરતસિંહ સોલંકી, બાપુ કે રૂપાણી તેમાં શંકરસિંહ વાઘેલાના નામને રિસ્પોન્સ વધારે મળતાં યુવાનોએ જન વિકલ્પમાં
સાથે રહેવા કહ્યું માટે આ પક્ષ રચાયો છે.


