શંકરસિંહ વાઘેલાનાં ઘરે CBIના દરોડા

Thursday 18th June 2015 07:15 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને પૂર્વ કેન્દ્રીય કાપડ પ્રધાન શંકરસિંહ વાઘેલાના ગાંધીનગર નજીકનાં નિવાસસ્થાને ૧૭ જૂને વહેલી સવારથી સાંજ સુધી સીબીઆઈએ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશન (એનટીસી)ની બંધ મિલોની જમીનો મુંબઇમાં ઓછા ભાવે વેચીને રૂ.૭૦૯.૨૭ કરોડનું સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના ગુનાહિત કાવતરામાં દિલ્હી સીબીઆઇની ટીમે એફઆઇઆર નોંધ્યા પછી દરોડા પાડયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાની ઊંડાણપૂર્વકની તપાસ થતાં દેશભરમાં ભારે હલચલ વચ્ચે ગુજરાતના રાજકારણમાં ઊંડા પ્રત્યાઘાતો પડયાં છે.

છ વર્ષ જૂના કેસમાં સર્ચ વોરંટના આધારે શંકરસિંહના નિવાસ 'વસંત વગડો' અને તેમના બે પુત્રોના ઘરે સવારે ૬ વાગ્યે સીબીઆઈના અધિકારીઓ તપાસ માટે પહોંચી ગયા હતા. દરોડાની કાર્યવાહી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલી હતી. ૧૦ કલાકના સર્ચ ઓપરેશનમાં ઘરના તમામ સ્થળોએ તપાસ કરી ત્યારે વાઘેલાનું કાપડ પ્રધાન વેળાનું વિઝીટીંગ કાર્ડ અને લેટરહેડ મળી આવ્યું હતું. સીબીઆઇના અધિકારીઓએ ગાંધીનગર ઉપરાંત દિલ્હી, કોલકાતામાં એનટીસીના પૂર્વ ચેરમેન કે. રામચંદ્રન પિલ્લાઇ, ડાયરેક્ટર આર. કે. શર્મા, સિનિયર મેનેજર એમ. કે. ખરે અને કોલકાતાની ખાનગી કંપની હોલ એન્ડ એન્ડરસન લિમિટેડના ડાયરેક્ટર કમલેશ મહેતા અને કંપની હોલ એન્ડ એન્ડરસન લિમિટેડમાં મળીને આ તમામના ૯થી વધુ ધંધા અને રહેઠાણના સ્થળોએ દરોડા પાડયા હતા. એનટીસીની મિલોના વેચાણમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ નોંધાઇ છે. જેમાં છ લોકો સાથે શંકરસિંહ વાઘેલાનું પણ નામ છે. દરોડાની કાર્યવાહીના સમાચાર બપોરે બે વાગે બહાર આવતાં જ વાઘેલાના ટેકેદારો, ધારાસભ્યો અને કોંગ્રેસના નેતાઓ તેમના બંગલાના સ્થળે ઘસી આવ્યા હતા.

વાઘેલા સામે ગુનાઇત કાવતરાની કલમ

સીબીઆઇએ શંકરસિંહ વાઘેલા સહિત અન્યો સામે ૧૨૦ બી અને આઇપીસીની ૪૨૦ હેઠળ ગુનો દાખલ કર્યો છે. સીબીઆઇનો આરેાપ છે કે, શંકરસિંહના કહેવાથી એનટીસીની જમીનો વેચવા માટે બનાવાયેલી સરકારી કમિટીએ જમીનોના ભાવોનું મૂલ્ય ઓછું આંક્યું હતું. સીબીઆઇએ આ તમામની સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ ૧૯૮૮ મુજબ ગુનો દાખલ કર્યો છે.

શું છે આ સમગ્ર મામલો

યુપીએ-૧ સરકાર વખતે શંકરસિંહ વાઘેલા ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન યુનિયન ટેક્સટાઇલ પ્રધાન હતા. ત્યારે એનટીસીની બંધ પડેલી મિલોની જમીનોનું મૂલ્ય ઓછું આંકીને તેનું વેચાણ થયું હતું, જેના કારણે સરકારી તિજોરીને રૂ. ૭૦૯.૨૭ કરોડનું નુકસાન થયું હતું. જમીનો વેચવા માટે જે કમિટીની રચના થઇ હતી તે કમિટીએ અન્ડર વેલ્યુએશન કર્યું હોવાનો સીબીઆઇનો આરેાપ છે. જમીન વેચાણ કરવા માટેની કમિટીમાં જે તે વખતે એનટીસીના ચેરમેન કે. રામચંદ્રન પિલ્લાઇની ભૂમિકા મુખ્ય હતી. સીબીઆઇને કેટલાક દસ્તાવેજો મળ્યા છે જેમાં પિલ્લાઇની સહીઓ છે અને પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે જમીનો ઓછા ભાવે વેચવામાં આવી જેના કારણે સરકારને રૂ.૭૦૯.૨૭ કરોડની મહેસૂલી આવક ઓછી મળી હતી

હવે શું

સીબીઆઇએ સર્ચ ઓપરેશન પૂર્વે એનટીસીના જમીન કૌભાંડ સંદર્ભે કાપડ પ્રધાન શંકરસિંહ વાઘેલાએ લીધેલા નિર્ણયો અંગેના મજબૂત પુરાવાઓ એકત્ર કર્યા હોવાનું મનાય છે, હવે આગામી સમયમાં આ પ્રકરણમાં આરોપીઓની તબક્કાવાર ધરપકડ થશે, જોકે રાજકીય માહોલને જોતા સીબીઆઇ શંકરસિંહ વાઘેલાની ધરપકડ કરે છે કે કેમ તે જોવું રહ્યું. સીબીઆઇ કોર્ટમાં ચાર્જશીટ કરીને પણ તેમની સામે કેસ કાર્યવાહી આગળ વધારી શકે તેમ છે.

કોના રહેઠાણેથી શું મળ્યું?

શંકરસિંહ વાઘેલા રૂ. ૧૩ લાખ રોકડ

કે. રામચંદ્રન પિલ્લાઇ રૂ. ૧. ૬૨ કરોડની એફડી

એમ.કે. ખરે રૂ.૪૫ લાખની એફડી

સીબીઆઇના દરોડા બાદ શંકરસિંહએ જણાવ્યું હતું કે, તેમનાં નિવાસસ્થાનેથી મળેલાં રૂ. ૧૩ લાખ કોલેજ ટ્રસ્ટના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter