શંકરસિંહે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, પણ ભાજપમાં નહીં જોડાય

Friday 21st July 2017 07:25 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ આખરે પક્ષ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી છે. પોતાના ૭૮મા જન્મદિન શહેરના ટાઉન હોલમાં યોજાયેલા સમ સંવેદન સંમેલનમાં વિશાળ સંખ્યામાં ઉમટેલા શુભેચ્છકો-સમર્થકોને સંબોધતા તેમણે કહ્યું હતુંઃ કોંગ્રેસે તો મને ૨૪ કલાક પહેલાં જ પક્ષમાંથી કાઢી મૂક્યો છે, પણ આજે અને અત્યારે હું કોંગ્રેસને છોડી રહ્યો છું. આ સાથે તમામ રાજકીય પક્ષોના બંધનોમાંથી મુક્ત થાઉં છું તેવી જાહેરાત કરતા ‘બાપુ’એ કહ્યું હતું કે હું ૭૭ નોટઆઉટ છું, અને જનતા મારી હાઈકમાન્ડ છે. હું વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવાનો છું. જોકે સાથોસાથ તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે હું ભાજપમાં જોડાવાનો નથી.
બાપુએ આજે યોજેલા સંમેલનમાં એનસીપીના ધારાસભ્યો જયંત બોસ્કી અને કાંધલ જાડેજા પણ જોવા મળ્યા હતા. તો કોંગ્રેસના એક અસંતુષ્ટ ધારાસભ્ય રાઘવજી પટેલ પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે રાઘવજી પટેલ અગાઉ જ કોંગ્રેસ સાથે છેડો ફાડવાનો સંકેત આપી ચૂક્યા છે.
ગયા સપ્તાહે આ સંમેલનની જાહેરાત થઇ ત્યારથી જ વાઘેલા કંઇક નવાજૂની કરવાના મૂડમાં હોવાના અહેવાલો વહેતા થયા હતા, જે આખરે સાચા પડ્યા છે. ગુરુવારે પ્રદેશ કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને આ સંમેલનમાં હાજરી આપવા સામે મનાઇ ફરમાવી હતી તેના પરથી જ સંકેત મળતા હતા કે કોંગ્રેસની નેતાગીરી વાઘેલાની નારાજગી દૂર કરવામાં નિષ્ફળ રહી છે અને વાઘેલા પણ હવે એક ઘા ને બે કટકા કરવાના લડાયક મૂડમાં છે. અલબત્ત, પૂર્વધારણા અનુસાર હાલ કોઇ ધારાસભ્ય ખુલ્લેઆમ શંકરસિંહના સમર્થનમાં બહાર આવ્યા નથી. આ જોતાં એવું લાગે છે કે શંકરસિંહના સમર્થક એવા અસંતુષ્ટ ધારાસભ્યો અને ગુજરાત પ્રદેશની કોંગ્રેસની નેતાગીરીએ હાલ તો તેલ જૂઓ અને તેલની ધાર જૂઓ તેવી નીતિ અપનાવી છે.
વાઘેલાએ તેમના દોઢ કલાક લાંબા નાસંબોધનમાં રાહુલ ગાંધીને બાદ કરતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પક્ષના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનો આભાર માન્યો હતો. જોકે, ગુજરાત કોંગ્રેસની નેતાગીરીની ટીકા કરવામાં તેમણે જરાય કસર છોડી નહોતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસને ચૂંટણી જીતવી નથી... ભાજપની સોપારી કોંગ્રેસે જ લીધી છે.

શંકરસિંહે કહ્યું હતું કે મને સત્તાની કોઈ લાલસા નથી. જો સત્તા જ જોઈતી હોત તો નેહરુના સમયમાં કોંગ્રેસમાં જોડાઈ ગયો હોત. હું ધારાસભ્ય, સાંસદ અને સીએમ બનાવનારો વ્યક્તિ છું. બાપુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ટાંક્યા વગર કહ્યું હતું કે, હાલના પીએમને મેં ભાજપની વર્કિંગ કમિટિમાં મોકલ્યા હતા, આનંદીબહેન પટેલને પણ હું જ રાજકારણમાં લાવ્યો હતો.
તેમણે ભાજપ પર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે, ૧૯૯૫માં ભાજપને ગુજરાતમાં સત્તા મળી ત્યારથી જ તે પ્રજાથી વિમુખ થઈ ગયો છે, અને પક્ષનો લોકસેવાનો ઉદ્દેશ વ્યક્તિ સેવામાં ફેરવાઈ ગયો છે. પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલને જેન્ટલમેન ગણાવતા વાઘેલાએ કહ્યું હતું કે, તેમના સમયમાં સીએમ ઓફિસ પર કેટલાક લોકોએ કબજો જમાવી લીધો હતો.
તેમણે કહ્યું હતું કે, મેં જાહેરજીવનમાં ક્યારેય ખોટું નથી કર્યું. મારા ઘેર સીબીઆઈવાળા અને ઈડીવાળા પણ રેડ કરવા આવ્યા હતા, પણ ઘરમાંથી કંઈ ન મળ્યું. બાપુએ કહ્યું હતું કે, સીબીઆઈ કી ઐસી કી તૈસી, બાપુ કોઈનાથી પણ દબાવવા માટે ટેવાયેલા નથી.
વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘મેં એક વર્ષ માટે સરકાર ચલાવી ગુજરાતમાં ક્યારેય ન થયો હોય તેવો વહીવટ કરી બતાવ્યો હતો. લાલ બત્તીને તો મેં ૨૦ વર્ષ પહેલા જ હટાવી દીધી હતી. મેં મુખ્ય પ્રધાન તરીકે એક રૂપિયો પણ પગાર નહોતો લીધો, પણ તેનું મેં ક્યારેય માર્કેટિંગ નથી કર્યું.’ વાઘેલાએ પોતાની (રાજપા) સરકારને બિનશરતી ટેકો આપવા બદલ અહેમદ પટેલનો પણ આભાર માન્યો હતો.
સોનિયા ગાંધીના વખાણ કરતા વાઘેલાએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી પાસે દેશના વડા પ્રધાન બનવાની તક હોવા છતાં તેમણે પદ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. સોનિયા ગાંધી પશ્ચિમી દેશના હોવા છતાં તેમને ક્યારેય મેં વેસ્ટર્ન કપડાંમાં નથી જોયા. તેમને ક્યારેય રાજકારણમાં આવવું જ નહોતું, પણ નસીબ તેમને રાજકારણમાં ખેંચી લાવ્યું. વાઘેલાએ એમ પણ કહ્યું હતું કે, સોનિયાજીને ગાળ ન આપશો.
પોતે કેન્દ્રમાં ટેક્સટાઈલ પ્રધાન હતા ત્યારે સરકારને નુક્સાન કરાવીને પણ કપાસના ટેકાના ભાવો ખેડૂતોને આપ્યા હતા એ વાતનો ઉલ્લેખ કરતા બાપુએ કહ્યું હતું કે, હાલ કાપડના જે વેપારીઓ જીએસટીનો વિરોધ કરી રહ્યા છે તે મને જો બોલાવશે તો હું પણ તેમની સાથે જોડાઈશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter