ગાંધીનગરઃ શંકરસિંહ વાઘેલાએ આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. એમણે કોંગ્રેસના તમામ પદેથી તથા પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતો પત્ર ફેક્સથી ૧૭મીએ રાત્રે સાડા દસે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યો હતો. શંકરસિંહના મોટા દીકરા ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ હજી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. અલબત્ત, તેઓ પણ સમય આવ્યે ‘સામૂહિક રીતે’ જે નિર્ણય લેવાશે તેને અનુસરશે. એવા સમાચાર છે.
ભાજપના ટોચના નેતાઓનો ઇરાદો એવો ભાસે છે કે ગુજરાતની રાજ્યસભાની ખાલી થયેલી ત્રણ સીટ પૈકીની એક સીટ મહેન્દ્રસિંહ વાઘેલાને ફાળવવામાં આવે. અલબત્ત, અટકળ એવી પણ છે કે પુત્રના બદલે શંકરસિંહ પોતે રાજ્યસભાની ત્રીજી સીટ માટે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવે. જો આમ ના બને તો શંકરસિંહની સિનિયોરિટીને છાજે તેવું ઊંચું પદ ગુજરાત ભાજપમાં મળે તેમ માનવું અતિશયોક્તિ નહીં ગણાય.
રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૭મી જુલાઈએ યોજવાની છે. જેને અનુલક્ષીને રાજ્યસભાની ચૂંટણીનો અગાઉ જાહેર થયેલો કાર્યક્રમ રદ કરાયો છે. આ બંને ચૂંટણીઓ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૯-૩૦ જૂન દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સંભવ છે કે આ સમય દરમિયાન કોઈ મોટી ઘોષણા થાય.
શંકરસિંહ વાઘેલા દ્વારા કોંગ્રેસને તિલાંજલિ આપવાને પગલે હવે કોંગ્રેસના ગુજરાત એકમના નેતાઓએ કોઈ એક નેતાના છત્ર નીચે નહીં બલકે સામૂહિક નેતૃત્વથી ચૂંટણી લડવાની છે તે સ્પષ્ટ થઈ ગયું છે. શંકરસિંહ તેમના ગાંધીનગરના નિવાસે ભાવિ આયોજન ઘડવામાં વ્યસ્ત છે. આવનારા દિવસો કોંગ્રેસ માટે મોટી ઉથલપાથલ સર્જનારા હશે તે નક્કી છે.


