ગાંધીનગરઃ ધારાસભાનાં ઉમેદવારો નક્કી કરવા માટે સાત નેતાએ જવાબદારી વહેંચી લેતાં કોંગ્રેસમાં અસંતોષનો જ્વાળામુખી ફાટ્યો છે. કુંવરજી બાવળીયાએ સાતમી સપ્ટેમ્બરે પક્ષની બેઠકમાં વિરોધ કર્યો બાદ શક્તિસિંહ ગોહિલે આઠમીએ રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામાનો પત્ર ફેસબુક પર મૂક્યો છે. તેમાં કહ્યું છે કે, કોંગ્રેસની પરંપરાગત રીતે કોંગ્રેસ પ્રમુખ ઉમેદવારો નક્કી કરે છે તે પ્રથા સારી છે. સૌરાષ્ટ્ર અને કચ્છની મને જવાબદારી સોંપી હતી તેમાંથી હું રાજીનામું આપું છું. લોકો પરિવર્તન ઇચ્છે છે તેથી પક્ષના હિતમાં રાજીનામું આપું છું. નાનો વિરોધ તો રહેવાનો છે. ભાજપના તત્ત્વો પક્ષમાં ભાગલા પાડવા સક્રિય થયા છે. પક્ષ સામે મારી કોઈ નારાજગી નથી.
‘પ્રદેશ સંગઠન માળખામાં ફેરફારો થશે’
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ સંગઠનના માળખાની પુનઃરચના કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે ૧૮૨ વિધાનસભાની બેઠકોમાં ચૂંટણીલક્ષી કામની વહેંચણી સામાજિક સમીકરણોને ધ્યાનમાં લઈને કરાશે. છેલ્લાં બે મહિનાથી પ્રદેશના આગેવાનો અને જિલ્લાના કાર્યકરો સાથેની બેઠકોમાં જે સૂચનો આવ્યા તેને ધ્યાને લઈને આ નિર્ણય લેવાયો છે તેમ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું છે.


