અમદાવાદઃ રાજ્યસભા ચૂંટણીમાં અહેમદ પટેલની જીતમાં સૌથી મહત્ત્વની ભૂમિકા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલની રહી છે. ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના બે ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલે ઉત્સાહમાં કોંગ્રેસના પોલિંગ એજન્ટની સાથે ભાજપના એજન્ટને પણ પોતાનો મત બતાવવાની ભૂલ કરી તે સાથે જ શક્તિસિંહે સતર્કતા સાથે સમયસૂકતા વાપરીને આ બાબતની ફરિયાદ ચૂંટણી પંચને કરી હતી. હકીકતમાં આ બાબત જ અહેમદ પટેલને જીત સુધી દોરી ગઈ છે.
જો શક્તિસિંહે સમયસૂચકતા અને સતર્કતા વાપરીને આ બાબતની ફરિયાદ ન કરી હોત તો જીત માટે અહેમદ પટેલને ૪૫ વોટ લાવવાની જરૂર પડત. જો બે વોટ રદ ન થયા હોત તો બગડાના ગણિત આધારે અહેમદ પટેલની હાર નક્કી હતી. આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી પરંતુ પંચે નિર્ણય ન લેતાં મામલો દિલ્હી સુધી પહોંચ્યો, દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓએ પંચ સમક્ષ દબાણ સર્જ્યું અને આખરે કેન્દ્રીય ચૂંટણી પંચને બે મત રદ્ બાતલ જાહેર કરવાની ફરજ પડી હતી.
અમે કોર્ટમાં જઈશુંઃ મુખ્ય પ્રધાન
મંગળવારે મોડી રાત્રે રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા મોડી રાત્રે ૩ વાગ્યાની આસપાસ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બે મત રદ કરવાની કોંગ્રેસની ફરિયાદમાં કોઇ આધાર નથી. ચૂંટણી પંચે આપેલા આદેશ સાથે અમે સહમત નથી અને અમે કાનુની લડાઇ પણ લડીશું. અમે વધુ મત મેળવી જીતીને પણ હારી ગયા છીએ. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આ ચૂંટણી ઐતિહાસિક છે. અહેમદ પટેલની જીત માત્ર અડધા મતથી (૦.૪૮ મત) જ થઇ છે. કોંગ્રેસ પાસે પૂરતા ૫૭ ધારાસભ્યો હતા. ઉપરાંત અન્ય ચાર મત હતા. આમ છતાં તેમને ૪૪ મત જ મળ્યા છે. જો કોંગ્રેસે વિવાદ ઊભો ન કર્યો હોત તો અમારા ત્રીજા ઉમેદવાર દોઢ મતની સરસાઇથી જીતી જાત. તેઓએ કહ્યું કે કોંગ્રેસના રાઘવજી અને ભોળાભાઇએ અમિત શાહ કે ભાજપના ચૂંટણી એજન્ટને બેલેટ પેપર (મત) દેખાડયાની વાત પણ ખોટી છે.


