શક્તિસિંહની સતર્કતાએ અહેમદ પટેલને વિજય અપાવ્યો

Wednesday 16th August 2017 10:30 EDT
 
 

અમદાવાદઃ રાજ્યસભા ચૂંટણી જંગમાં અહેમદ પટેલની જીતમાં સૌથી મહત્ત્વની ભૂમિકા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલની રહી છે. ક્રોસવોટિંગ કરનારા કોંગ્રેસના બે ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલે ઉત્સાહમાં કોંગ્રેસના પોલિંગ એજન્ટની સાથે ભાજપના એજન્ટને પણ પોતાનો મત બતાવવાની ભૂલ કરતાં જ ગોહિલે સતર્કતા સાથે સમયસૂકતા વાપરીને આ બાબતની ફરિયાદ ચૂંટણી પંચને કરી હતી. હકીકતમાં આ બાબત જ અહેમદ પટેલને જીત સુધી દોરી ગઈ છે.
જો શક્તિસિંહે સમયસૂચકતા વાપરીને આ બાબતની ફરિયાદ ન કરી હોત તો જીત માટે અહેમદ પટેલને ૪૫ વોટ લાવવાની જરૂર પડત. જો બે વોટ રદ ન થયા હોત તો અહેમદ પટેલની હાર નક્કી હતી. આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી પરંતુ પંચે નિર્ણય ન લેતાં મામલો દિલ્હી સુધી પહોંચ્યો. દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓએ પંચ સમક્ષ દબાણ સર્જ્યું અને આખરે કેન્દ્રીય ચૂંટણી પંચને બે મત રદ જાહેર કરવાની ફરજ પડી હતી.
અમે કોર્ટમાં જઈશુંઃ રૂપાણી
રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બે મત રદ કરવાની કોંગ્રેસની ફરિયાદમાં કોઇ આધાર નથી. ચૂંટણી પંચે આપેલા આદેશ સાથે અમે સહમત નથી અને અમે કાનુની લડાઇ પણ લડીશું. અમે વધુ મત મેળવીને પણ હારી ગયા છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter