ગાંધીનગરઃ ધૂમ્રપાન કરનારાઓ અને શાકાહારીઓને ઓછી સિરો પોઝિટિવિટી જોવા મળી છે અને આ બાબત કોવિડ-૧૯ વાયરસથી સંક્રમિત થવામાં ઓછું જોખમ હોવાનું જાણવા મળે છે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીલ રિસર્ચ (CSIR) દ્વારા ૪૦ સંસ્થાઓના હાથ ધરાયેલા પાન-ઈન્ડિયા સિરો સર્વે તારણોમાં જોવા મળ્યું છે.
‘O’ બ્લડ ગ્રૂપની વ્યક્તિઓમાં કોરોનાના સંક્રમણનું ઓછું જોખમ જ્યારે ‘B’ તથા ‘AB’ બ્લડ ગ્રૂપની વ્યક્તિઓમાં કોરોનાનું સંક્રમણનું જોખમ વધુ હોવાનું જોવા મળે છે. આમ, ધૂમ્રપાન કરનારાઓ હવે ‘દમ મારો દમ, ભગાઓ કોરોનાનો ડર’ એવું સૂત્ર અપનાવે તો નવાઈ નહીં!
CSIR દ્વારા કોરોનાના જોખમ અંગેની શક્યતા માટે SARS-CoV – ૨ (કોરોના) અંગે એન્ટિબોડીનું મૂલ્યાંકન માટેના સર્વેક્ષણમાં લેબોરેટરી અથવા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા અને તેમના કુટુંબીજનોને આવરી લઈને ૧૦૪૨૭ પુખ્ત વ્યક્તિના સ્વૈચ્છિક સેમ્પલ લીધાં હતાં.
દિલ્હીની CSIR- ઈન્સ્ટિટ્યૂટ ઓફ જેનોમિક્સ એન્ડ ઈન્ટરગેટિવ બાયોલોજી (IGIB) સંચાલિત આ અભ્યાસમાં જોવા મળ્યું છે કે, ૧૦૪૨૭ વ્યક્તિઓ પૈકી ૧૦૫૮ (૧૦.૧૪ ટકા) લોકોમાં SARS-CoV - ૨ (કોરોના) પ્રત્યે એન્ટિબોડી ધરાવતા હતા. ૩ માસ પછી ૩૪૬ સિરો પોઝિટિવિટી ધરાવતી વ્યક્તિઓમાં SARS-CoV - ૨ અંગે એન્ટિબોડીનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.


