અમદાવાદઃ ગુજરાતમાં પાણીના અભાવે કપાસનો પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોના આપઘાત કરવાના કેસ સામાન્ય બન્યા છે ત્યારે અમદાવાદમાં ભાજપના સાંસદ વરુણ ગાંધીએ કહ્યું હતું કે બ્રિટિશ સિંચાઈ વ્યવસ્થામાં ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો સમૃદ્ધ થયા હતા. જેનો આડકતરો અર્થ એવો પણ થઈ શકે કે હાલની રાજ્ય સરકાર બ્રિટિશરો જેવી દૂરંદેશી દર્શાવી શકતી નથી. બીજી તરફ દિલ્હીમાં ખેડૂતોએ દેવામાફી માટે કાઢેલી રેલી અંગે વરુણ ગાંધીએ કહ્યું કે, સરકાર ખેડૂતોની સાચી સમસ્યા સમજતી નથી. તે જો સમજે તો ખેડૂતો આપઘાત કરે છે તે પ્રશ્ન ઉકેલાય.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ – અમદાવાદમાં સ્વલિખિત પુસ્તક ‘અ રૂરલ મેનિફેસ્ટો: રિયાલાઈઝીંગ ઈન્ડિયાઝ ફ્યુચર થ્રુ હર વિલેજીસ’નું વિમોચન કર્યા બાદ વરુણ ગાંધીએ પોતાના વિચારો વિદ્યાર્થી અને ફેકલ્ટીઝ સમક્ષ રજૂ કર્યાં હતાં. તેમણે કહ્યું કે લોકો વિચારે છે કે ખેડૂતો લોન ભરપાઈ કરતા નથી, પરંતુ છેલ્લા ૪૦ વર્ષમાં ખેડૂતોની જે કંઈ લોનમાફી થઈ છે તેનો આંકડો ૨૩ ટકા થાય છે. જ્યારે માત્ર ૪૦ ઉદ્યોગપતિઓની લોન માફ કરવામાં આવી તેની સામે ખેડૂતોની લોનમાફીનો આંકડો કશું જ નથી.


