• અમદાવાદમાં રૂ. ૪૦ કરોડના ફાફડા-જલેબીનું વેચાણઃ અમદાવાદ શહેરમાં ૩ ઓક્ટોબરે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદીઓએ આગલી રાતથી વિજ્યાદશમીની ઉજવણીનો પ્રારંભ ફાફડા-જલેબી ખાઈને કર્યો હતો. નોમ અને દશમ બે તિથિઓ ભેગી થઈ હતી. એક અંદાજ મુજબ અમદાવાદમાં આશરે રૂ. ૪૦ કરોડની કિંમતના ફાફડા-જલેબીનું વેચાણ થયું હતું. ફાફડા-જલેબી બનાવવા માટે ઉપયોગ કરાતી ચીજોની કિંમતમાં અંદાજે ૧૫ ટકાનો વધારો થયો હોવા છતાં તેની કોઈ અસર અમદાવાદીઓ ઉપર ન થઈ હતી.
• રૂપાલ પલ્લીમાં ભક્ત મહેરામણ ઉમટ્યોઃ ગાંધીનગર નજીકના રૂપાલમાં પલ્લીના મેળામાં ભક્તોની હકડેઠઠ ભીડ જામી હતી. અંદાજે દસ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ પલ્લીના દર્શન કર્યા હતા. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી જિલ્લા વહીવટી તંત્ર પલ્લીના મેળાની તૈયારીમાં લાગ્યું હતું. નકલી ઘીનું વેચાણ ન થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી હતી. વધુમાં પલ્લીના મેળા પર નજર રહે તે માટે થઈને પણ અંદાજે ૧૪ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જ્યારે ભક્તો પણ પલ્લીના દર્શન આરામથી કરી શકે તે માટે જુદાજુદા આઠેક જેટલા સ્થળોએ એલઈડી સ્ક્રીનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બે વર્ષ પૂર્વે ભીડમાં અફડાતફડી મચી જતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. આમ જોતાં સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે પલ્લીની યાત્રા પાંડવોએ કાઢી હતી. ત્યારથી આ પરંપરા અવિરતપણે ચાલી રહી છે. માતાજીની પલ્લી બનાવવા માટે સવારે ખીજડાનું ઝાડ કાપવામાં આવ્યું હતું. અને પલ્લી ઘડવાની શરૂ કરાઈ હતી. પલ્લીને તૈયાર કરતાં અંદાજે પાંચેક ક્લાકનો સમય લાગ્યો હતો. મોડી સાંજે માતાજીની પલ્લી તૈયાર થઈ હતી. ઉલ્લેખનીય છે કે માતાજીની પલ્લીની તૈયારીમાં સુથાર, વણકર, કુંભાર, માળી, પીંજારા, પંચોલી, ચાવડા, ત્રિવેદી, પટેલ તમામ જોડાતા હોય છે.
• ૧૧ યુવાનનો સામૂહિક જળસમાધિનો પ્રયાસઃ સરકાર દ્વારા નોકરી અને જમીનના પ્રશ્નો નહીં ઉકેલાતા નસવાડી તાલુકાના બરોલી વસાહતના ૧૪ નર્મદા અસરગ્રસ્ત યુવાનો દ્વારા જળસમાધિની આપેલી ચીમકી પ્રત્યે તંત્ર દ્વારા ધ્યાન ન અપાતાં ૧૪ યુવાન પૈકી ૧૧ યુવાનોએ નર્મદા મેઈન કેનાલમાં પડ્યાં હતાં. નર્મદા કેનાલ ખાતે તરવૈયાની ટુકડી તૈયાર રાખી ન હોઇ આ ૧૧ યુવાનોને પોલીસ જવાનો દ્વારા જાતે જ કેનાલમાં ડૂબકી લગાવીને એક પછી એકને બહાર કાઢી સારવાર માટે નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડયાં હતાં.
• પ્રદીપ શર્માને પાલારા જેલમાં મોકલાયાઃ કચ્છ સહિત ગુજરાતભરમાં ચકચારી બનેલા વેલસ્પન કંપનીને જમીન ફાળવવાના મામલામાં ધરપકડ કરાયેલા કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માના ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને પાલારા જેલના હવાલે કરાયા હતા. વેલસ્પન કંપનીને ગેરકાયદે જમીન ફાળવવાના મામલે એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા ગત સપ્તાહે પ્રદીપ શર્માની ધરપકડ કરાઈ હતી.
• પોરબંદરને રૂ. ૩૨ કરોડના વિકાસકાર્યોની ભેટઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૪૬મી જન્મજયંતિ નિમિતે ૨ ઓક્ટોબરે પોરબંદર આવેલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ગાંધી જન્મ સ્મારક કીર્તિમંદિરમાં યોજાયેલ પ્રાર્થનાસભા અને કડીયા પ્લોટમાં પ્રારંભ થયેલ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય પ્રધાને રૂ.૩૨.૪૪ કરોડના ૧૦ વિકાસ કાર્યોની પોરબંદર શહેરને ભેટ આપી હતી.
• કચ્છનું વહાણ ઓમાનના દરિયામાં ડૂબ્યુંઃ માંડવી શહેરનું શારજાહથી યમન જઈ રહેલું એમએસવી મહમંદ સલીમ ૧૪૪૨ નામનું વહાણ ઓમાનના દરિયામાં ડૂબી ગયું છે. ઓમાનના દરિયા કિનારા નજીક વહાણમાં યાંત્રિક ક્ષતિ સર્જાયા પછી ડૂબવા લાગતાં કેટલાક ખલાસી તરીને કિનારે પહોંચી ગયા હતા. આ અંગે સ્થાનિક કોસ્ટગાર્ડને જાણ કરતાં અન્ય તમામ ખલાસીઓને બચાવી લેવાયા છે. કચ્છ વહાણવટા એસોસિએશનના પ્રમુખ આદમભાઈએ જણાવ્યું હતું કે આ વહાણ શારજાહથી પરચૂરણ કાર્ગો ભરી યમન જવા નીકળ્યું હતું. આ દરમિયાનમાં ઓમાનના કિનારે નજીક વહાણનાં ગિયરબોક્સમાં યાંત્રિક ક્ષતિ સર્જાતાં વહાણ નમીને ડૂબવા લાગ્યું હતું.
• બનાસકાંઠામાં મગફળીનું મબલખ ઉત્પાદન થશેઃ બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે થયેલા ભારે વરસાદના કારણે ચોમાસુ ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. જોકે મગફળીને ફાયદો થશે તેમ ખેડૂતો જણાવે છે. સરહદી જિલ્લામાં આ વખતે મેઘરાજાની મોડી પધરામણી થઈ હતી અને તેમાં પણ ઓછો વરસાદ થયો હતો. તેમ છતાં ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતર લાવી કપાસ, મગફળી, એરંડા, બાજરી, જુવાર, કઠોળ સહિત શાકભાજીનું વાવેતર કર્યું હતું. જોકે વચ્ચે-વચ્ચે વરસાદ થતા વાવેતરને ફાયદો થયો હતો.
• કાશ્મીરના પૂરપીડિતો માટે સંઘે રૂ. ૨.૧૮ એકત્ર કર્યાઃ જમ્મુ-કાશ્મીરમાં સર્જાયેલા કુદરતી પ્રકોપ બાદ મદદનો ધોધ વહી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની અપીલને ધ્યાનમાં લઈને કચ્છમાંથી રૂ. ૨.૧૮ લાખનું ભંડોળ એકત્ર કરીને સેવા ભારતી સંસ્થાને મોકલાયું છે.
• ડો. ગૌતમ પટેલને કાલિદાસ સંસ્કૃત સાધના પુરસ્કારઃ મહામહોપાધ્યાય, રાષ્ટ્રપતિ પુરસ્કૃત, ભારતની ત્રણ ત્રણ યુનિવર્સિટી દ્વારા માનદ ડી.લિટની પદવીથી સન્માનિત, ગુજરાત રાજ્યની સંસ્કૃત સાહિત્ય અકાદમીના પૂર્વ અધ્યક્ષ અને દ્વિતીય સંસ્કૃત કમિશનના સભ્ય ડો. ગૌતમ પટેલને ‘મહારાષ્ટ્ર રાજ્ય મહાકવિ કાલિદાસ સંસ્કૃતિ સાધના પુરસ્કાર–૨૦૧૪ એનાયત કરવામાં આવ્યો છે.