અમદાવાદઃ રાષ્ટ્રીય સંગીત નાટ્ય એકેડમી દ્વારા 2019, 2020 અને 2021ના વર્ષ માટે પુરસ્કારો અને ફેલોશીપની જાહેરાત કરવામાં આવી છે જેમાં દેશ-વિદેશમાં વનેચંદના વરઘોડા સહિતની હાસ્યકૃતિઓથી પ્રખ્યાત થયેલા શાહબુદ્દીન રાઠોડ, લોકકલા માટે નકુમ ડાયાભાઈ, કુચુપુડ્ડી નૃત્યકાર સ્મિતા શાસ્ત્રી, નાટ્યકાર જનક દવે, મણિપુરી નૃત્ય કલા માટે દર્શનાબહેન ઝવેરી, સિતારવાદક મંજુબેન મહેતા, લોકસંગીત અને નૃત્ય માટે શંકરભાઈ ધરાજિયા અને નાટ્યવિદ મહેશ ચંપકલાલ સહિત અનેક જાણીતા કલાકારો સહિત 128 કલાકારોનું વિવિધ કેટેગરીમાં સન્માન થયું છે. અમૃત મહોત્સવની ઊજવણીના ભાગરૂપે કુલ 75 કલાકારો સન્માનિત થયા હતા.
ભારતના સાંસ્કૃતિક મંત્રાલયની જાહેરાત પ્રમાણે જે કલાકારોની વય 75ની નજીક છે અને વર્ષોથી સંગીત, નાટ્ય, નૃત્યના ક્ષેત્રમાં જેમનું યોગદાન અવિસ્મરણીય છે એવા કલાકારોને પ્રાથમિક્તા આપીને સન્માનિત કરાયા છે. વર્ષોથી સુદીર્ઘ કારકિર્દી દરમિયાન પણ જેઓને મહત્ત્વના રાષ્ટ્રીય એવોર્ડ્સ મળ્યા નથી, તેમને ખાસ સન્માનિત કરાયા છે. જે અંતર્ગંત 75 કલાકારોને વન ટાઈમ સંગીત નાટ્ય અકાદમી એવોર્ડ આપવામાં આવશે.


