શિકાગોઃ અમેરિકાના શિકાગો શહેરના લિંકન પાર્કમાં કેવિન પટેલ નામના 28 વર્ષના એક ગુજરાતી ોયુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. શાંત રહેણાક વિસ્તાર ગણાતા વેસ્ટ લિલ એવન્યૂના 800 નંબરના બ્લોકમાં 16મી એપ્રિલે રાત્રે આ ઘટના બની હતી. બનાવની જાણ થતાં તાકીદે ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસ કેવિનને હોસ્પિટલમાં લઇ ગઇ હતી પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. કેવિનને છાતીમાં ગોળી વાગી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે પોલીસ આવી તે પહેલાં એક પુરુષ અને એક મહિલા દોડીને ભાગતા દેખાયા હતા. આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓ ગભરાઈ ગયા છે અને આ વિસ્તારમાં પોલીસની હાજરી વધારવાની માગ ઊઠી છે.