અમદાવાદઃ ગુજરાતી ગઝલના ૧૨૫ વર્ષની ઉજવણીના પ્રસંગે શહેરના જી.એલ.એસ. ઓડિટોરિયમમાં યોજાયેલા સંગીતમય કાર્યક્રમમાં શરૂઆતમાં અમૃત ઘાયલ – ગની દહીંવાળા જેવા શાયરોની રચનાઓ બખૂબી રજૂ થઈ હતી. કાર્યક્રમના આરંભે ગાયિકા માયા દીપકે ૬ જેટલી ગુજરાતી ગઝલો રજૂ કરી ત્યારે સંગીતપ્રેમીઓ જતીન પારેખ, અભય શાહ અને સુનીલ શાહ સહિતના ૩૦૦-૩૫૦ શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા. પછી ‘એક શામ લતા કે નામ...’ અંતર્ગત સૂર સમ્રાજ્ઞી લતા મંગેશકરના સ્વરે ગવાયેલાં લોકપ્રિય ગીતો માયા દીપકના સ્વરે રજૂ થયાં. ઓરિજિનલ કમ્પોઝીશનને વળગી રહીને શબ્દોના ભાવને માયા દીપકે બખૂબી રજૂ કર્યાં હતાં.
યુગલ ગીતોમાં મુકેશ- રફી અને કિશોર કુમારના ગીતોને કાર્યક્રમમાં સુંદર ન્યાય મળ્યો હતો. હિન્દી-ગુજરાતી બંને ભાષાના સમન્વય સાથે તુષાર જોષીએ કાર્યક્રમનું સંચાલન કુશળ રીતે સંભાળ્યું હતું.


