અમદાવાદઃ હજી શિયાળાની મોસમ પૂરી થવાના આરે છે ત્યાં અત્યારથી જ રાજ્યના મોટાભાગના ડેમના તળિયા દેખાઈ ગયાં છે. આ જોતાં ઉનાળામાં પાણીની તંગી સર્જાય તેવા એંધાણ છે. રાજ્યમાં ૭૪ ડેમો તો જાણે સુક્કાભઠ્ઠા મેદાનોમાં ફેરવાઈ ગયાં છે. ચાલુ વર્ષે ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ વરસ્યો છે જેના કારણે પાણીની તંગી સર્જાય તે સ્વાભાવિક છે, પણ ડેમોમાં સંગ્રહાયેલું પાણીય અત્યારથી સુકાવા માંડ્યું છે. ગુજરાતમાં ૨૦૩ ડેમોમાં હાલમાં માત્ર ૩૬ ટકા પાણી સંગ્રહાયેલું રહ્યું છે. સૌથી વધુ ગંભીર પરિસ્થિતિ કચ્છ અને સૌરાષ્ટ્રની છે કેમ કે અહીંના ડેમોમાં પાણી જ બચ્યું નથી. સૌરાષ્ટ્રના ૧૩૮ ડેમોમાં આશરે ૫૦૦ એમસીએમ પાણી એટલે કે ૧૯થી ૨૦ ટકા જ પાણી રહ્યું છે. આ જ પ્રમાણે કચ્છમાં ૨૦ ડેમોમાં ૧૨.૦૦ ટકા પાણી છે. મધ્ય ગુજરાતમાં ઘણા અંશે પરિસ્થિતિ સારી છે. આ વિસ્તારમાં ૧૭ ડેમોમાં હજુય આશરે ૬૬ ટકા પાણી છે. દ. ગુજરાતના ૧૩ ડેમોમાં લગભગ ૩૬ ટકા પાણી છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ૧૫ ડેમોમાં આશરે ૨૪ ટકા જ પાણી બચ્યું છે. ૧૦૬ ડેમોમાં તો ૧૦ ટકા કરતાંય ઓછું પાણી રહ્યું છે. જે ઉનાળામાં પ્રારંભ સુધી તો ઘણા અંશે ઓછું થઈ શકે છે. આ જ રીતે ૭૪ ડેમોમાં તો પાણીનું ટીપુંય બચ્યું નથી. આ ડેમો જાણે ડેમ બન્યા ક્રિકેટ મેદાન
જો જિલ્લાવાર પરિસ્થિતિ જોઈએ તો બનાસકાંઠા, ખેડા, પોરબંદર, બોટાદ, મોરબી, દ્વારકા અને જામનગરમાં તો હાલમાં ૧૦ ટકાથીય ઓછું પાણી છે પરિણામે અત્યારથી લોકોને પાણીની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત જિલ્લામાં પાણીની સ્થિતિ ઘણી સારી છે. આ સમગ્ર સ્થિતિને જોતાં કહી શકાય કે ઉનાળામાં પાણીની તંગી સર્જાય તેવી શક્યતા જોવાઈ રહી છે.


