શૈલેષ વારા ‘ગુજરાત ગૌરવ’

Saturday 13th December 2014 06:47 EST
 
 

અમદાવાદઃ ‘ગુજરાતમાં આવીને મને અપાર આનંદ થયો છે. ગુજરાત અને ઇંગ્લેન્ડનો સંબંધ હજારો વર્ષ જૂનો છે. આપણે ગુજરાતીઓએ યુગાન્ડાથી ઈંગ્લેન્ડ જઇને જે પુરુષાર્થ કર્યો તે અદભૂત છે. તમામ ક્ષેત્રોમાં ગુજરાતીઓએ નામ કાઢ્યું છે. બ્રિટનની નજર ભારત તરફ છે, અને ગુજરાત તરફ પણ છે.’ કેમરન સરકારમાં મિનિસ્ટર ઓફ જસ્ટિસ તરીકે સેવારત પ્રથમ ગુજરાતી એમ.પી. શૈલેષ વારાએ વિશ્વ ગુજરાતી સમાજનું ‘ગુજરાત ગૌરવ’ સન્માન સ્વીકાર્યા બાદ પ્રતિભાવ આપતાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા.
અમદાવાદમાં મંગળવારે બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાંત વખારીઆએ શૈલેષ વારાને ‘ગુજરાત ગૌરવ’ સન્માન સાથે સ્મૃતિપત્ર, મેમેન્ટો અને શાલ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે વારાએ ગુજરાતી ભાષામાં સંબોધન સાથે વતન ગુજરાતની યાદ તાજી કરતા કહ્યું હતું કે અમે ગુજરાતની સંસ્કૃતિને ભૂલ્યા નથી.
તેમણે કહ્યું કે ગુજરાત અનેક રીતે જગવિખ્યાત છે. એક ગુજરાતી મુખ્ય પ્રધાન હવે વડા પ્રધાન બન્યા છે ત્યારે બ્રિટનની નજર દિલ્હી તરફ છે, પરંતુ હું વિશ્વાસપૂર્વક કહીશ કે બ્રિટનની નજર ગુજરાત પર પણ છે. શૈલેષ વારાએ વિશ્વ ગુજરાતી સમાજની વૈશ્વિક સ્તરે જુદા જુદા દેશોમાં થયેલી કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે આવી મહત્ત્વની સંસ્થા દ્વારા મને સન્માન પ્રાપ્ત થયું તેનું ગૌરવ અને આનંદ અનુભવું છું.
વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાંત વખારીઆએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે વિશ્વના ખ્યાતનામ ગુજરાતીઓનું અમે સન્માન કરતા આવ્યા છીએ તેમાં આજે એક વધુ ઉમેરો કરતાં અમે ગૌરવ અને આનંદ અનુભવીએ છીએ. શૈલેષ વારા ઈંગ્લેન્ડના જાહેર જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે ગુજરાત-બ્રિટન વચ્ચેનો સંબંધનો સેતુ મજબૂત બનાવ્યો છે. આ પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજના મહામંત્રી વિષ્ણુ પંડ્યાએ બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર કુમાર ઐયરનું સન્માન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter