અમદાવાદઃ રાણીપ જીએસટી ક્રોસિંગ નજીક આવેલા સાંકેત એપાર્ટમેન્ટના ડી-બ્લોકના પાર્કિંગમાં ચોથી ફેબ્રુઆરીએ મોડી રાત્રે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આનાથી પાર્કિંગમાં પડેલા વાહનો સળગી ઉઠ્યા હતા અને જોતજોતામાં આગ લગભગ ચોથા માળ સુધી ફેલાઈ જતાં બીજા માળે રહેતા માતા અને પુત્રના દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. આગમાં ૪૦ વાહન બળીને ખાખ થઈ ગયા હતા. દૃશ્ય જોનારે કહ્યું કે, આગ ૨૦ મિનિટમાં વિકરાળ બની ગઈ હતી. જીવ બચવા ઘરની બહાર ભાગી રહેલા ડી-૧૩ના રહીશ લીલાબહેન નરેન્દ્રભાઈ શાહ (૬૦) અને પુત્ર મોન્ટુ ઉર્ફે શ્રેયાંસ શાહ (૨૮) સીડીમાં જ ભડતું થઈ ગયાં હતાં. એકાએક આગની જ્વાળા અને બૂમાબૂમ સાંભળી સફાળા જાગેલા રહીશોએ રેતી અને પાણીનો મારો ચલાવી આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડનાં ૧૦થી ૧૨ વાહને પાણીનો મારો ચલાવી એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ત્યાર બાદ જવાનોએ ફ્લેટમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. રાણીપ પોલીસના જણાવ્યા પ્રમાણે મીટરના
સ્થળે ટોરેન્ટ પાવરના કર્મચારીઓએ સાંજે રિપેરિંગકામ કર્યું હતું અને શોર્ટ સર્કિટ પણ આ જ સ્થળે થચું હતું.

