ગાંધીનગર: પર્યુષણના મહાપર્વે ૩૧મી ઓગસ્ટે મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા શાસનરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મિશનના સંસ્થાપક ગુરુદેવ રાકેશભાઈએ મુખ્ય પ્રધાનને એવોર્ડ આપ્યો હતો. આ સંસ્થા દ્વારા દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં આકાર પામેલા એનિમલ નિસર્ગ હોમનું મુખ્ય પ્રધાને મુંબઈથી વર્ચ્યુઅલ લોકાર્પણ પણ કર્યું હતું. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયેલ, મુખ્ય પ્રધાનનાં પત્ની અંજલિબહેન રૂપાણી સહિત હજારો મુમુક્ષુઓની ઉપસ્થિતિમાં મુંબઈના વરલીમાં યોજાયેલા કાર્યક્રમમાં શાસનરત્ન એવોર્ડને વિજય રૂપાણીએ સ્વીકારતાં કહ્યું કે, અહિંસા પરમોધર્મની ભાવના
સાથે રામરાજ્યનું નિર્માણ થઈ રહ્યું છે. સુક્ષ્મ જીવો માટે કરુણા એ આપણા સંસ્કાર અને સ્વભાવ છે.


