અમદાવાદ: રાજ્યની બે દિવસીય મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦મીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મ જયંતીના વર્ષની ઉજવણી નિમિત્તે સ્મૃતિ સિક્કા અને સ્ટેમ્પનું લોકાર્પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના ગવર્નર ઓ. પી. કોહલી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિતના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્રજીને ભાવાંજલિ આપતા કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા દોઢસો રૂપિયા અને દસ રૂપિયાના બે સ્મૃતિ સિક્કા તથા પોસ્ટ વિભાગ દ્વારા ફર્સ્ટ ડે કવર, ફર્સ્ટ ડે કેન્સલ્ડ કવર અને સ્પેશિયલ પાંચ રૂપિયાની પોસ્ટેજ સ્ટેમ્પનું લોકાર્પણ કર્યું હતું.
મોદીએ જણાવ્યું હતું કે, રાજચંદ્રજીએ ગાંધીજીને લખેલા પત્રોમાંના એકમાં તેમણે લખ્યું હતું કે, જ્યારથી હિંસાનું અસ્તિત્વ રહ્યું છે ત્યારથી અહિંસાનો સિદ્ધાંત પણ અસ્તિત્વ ધરાવે છે. આપણે બેમાંથી કોને મહત્ત્વ આપીએ છીએ અથવા આમાંથી કોનો ઉપયોગ માનવહિતમાં થઇ રહ્યો છે તે વાત મહત્ત્વની છે. રાજચંદ્રજી અને ગાંધીજીના પત્રવ્યવહાર પર પીએચ ડી થવી જોઈએ. સૌરાષ્ટ્રનું વવાણિયા ગામ શ્રીમદ્ રાજચંદ્રજીનું જન્મસ્થળ છે. ત્યાં જે સ્કૂલ આવેલી છે ત્યાં દરેક શિક્ષક અને લોકોએ જવું જોઇએ. તે સ્થળે મંદિર નથી છતાં પણ ત્યાં મંદિર જેવી સકારાત્મક ઊર્જા મળે છે.
બાળપણ વીડિયોગેમમાં ખોવાયું છે
અમદાવાદમાં મણિનગરસ્થિત એશિયાના પ્રથમ શ્રેષ્ઠ ઈન્ટીગ્રેટેડ સ્પોર્ટસ એરેના - ટ્રાન્સ્ટેડિયાના ઉદઘાટન પ્રસંગે પહેલીએ મોદીએ રમતગમત એ જીવન જીવતા શીખવાડે છે તે વાતનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે આજે ૨૧મી સદીમાં બાળકોનું બાળપણ વીડિયોગેમમાં અને લેપટોપમાં ખોવાઈ રહ્યું છે ત્યારે શારીરિક કૌશલ્ય અને વ્યક્તિત્વના વિકાસ માટે બાળકોના રમતના મેદાનમાં રમે તે જરૂરી બન્યું છે.


