ડીસાઃ બનાસકાંઠાના ડીસામાં રહેતા સંજયભાઇ અને નયનાબહેનની ૧૨ વર્ષની દીકરી શ્રેયાને વિચિત્ર બીમારી છે. છેલ્લા ૬ મહિનાથી શ્રેયાના કાનમાંથી દરરોજ મંકોડા નીકળે છે.
શ્રેયાની ચિંતા કરતા તેના પિતા સંજયભાઈ પઢિયાર કહે છે કે, અમે ઘણા ડોક્ટર્સનો શ્રેયાની આ બીમારી માટે સંપર્ક કર્યો, પણ ડોક્ટર્સ પણ આ બીમારી સામે હારી ગયા છે. તેઓ પણ આ બીમારીનો ઇલાજ શું હોઈ શકે તેની વિમાસણમાં છે. આવી બીમારીનો શિકાર મારી દીકરી જ કેમ?
સંજયભાઇ કહે છે કે, શ્રેયા જન્મી ત્યારથી સ્કૂલમાં મૂકી ત્યાં સુધી તે ક્યારેય બીમાર પડી નહોતી. તે જ્યારે છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે તેનાં જમણી બાજુના કાનમાં થોડોક સળવળાટ થાય છે એવી ફરિયાદ પહેલીવાર કરી હતી. તેના કાનમાં જોયું તો એક બે મંકોડા નીકળ્યા, પણ ત્યારે અમે આ વાતને ખાસ ગંભીરતાથી લીધી નહીં. અમને થયું કે, મંકોડા કાનમાં ઘૂસી ગયા હશે. બે દિવસ પછી તેણે ફરી ફરિયાદ કરી અને અમે ડીસાના એક સ્થાનિક ડોકટરને બતાવ્યું ત્યારે ડોકટરને પણ ભારે નવાઇ લાગી. તેમણે કાનમાંથી ચીપિયાથી મંકોડા કાઢી નાંખ્યા અને કહ્યું કે, શ્રેયાના કાનમાં બીજી કોઇ તકલીફ હોય તેવું જણાતું નથી.
એના થોડા દિવસ પછી શ્રેયાના કાનમાંથી ફરીથી જીવતા અને અધમૂઆ મંકોડા નીકળવાના શરૂ થઈ ગયા. સપ્ટેમ્બર મહિનાના કેટલાક દિવસોમાં તો કાનમાંથી રોજના ૩૦થી ૩૫ જેટલા મંકોડા નીકળતાં. આથી વારંવાર શ્રેયાને ડોકટર પાસે લઇ જવી પડતી હતી. કાનમાંથી મંકોડા કાઢવા સાથે તેની આ બીમારીના ઇલાજ માટે અમે ડીસા, પાટણ અને અમદાવાદના કેટલાક ડોકટર્સની પણ મુલાકાત લીધી. ડોક્ટર્સ કાન સાફ કરીને મંકોડા તો કાઢી નાંખે છે, પરંતુ મંકોડાઓ કાનમાં કેવી રીતે આવે છે તે કોઈ શોધી શકતું નથી.
કાનની બીમારીના નિષ્ણાત ડોકટર જવાહર તલસાણિયાએ શ્રેયાના કેસ વિશે જણાવ્યું કે, મંકોડા કાઢી નાંખ્યા પછી શ્રેયાનો કાન નોર્મલ હોય છે. શ્રેયાને ડાયાબીટિસ કે સાંભળવાની કોઈ બીમારી પણ નથી. તે માનસિક રીતે પણ સ્વસ્થ છે તેથી તેનાં કાનમાં મંકોડા કયાંથી આવે છે એ તબીબીવિશ્વ માટે પણ સંશોધનનો વિષય છે.
શ્રેયાના પિતા સંજયભાઇ કહે છે કે, શ્રેયાને અચાનક કાનમાંથી મંકોડા નીકળવાનું શરૂ થઇ જાય છે. એક સમયે આ તકલીફ એટલી વધી ગઈ હતી કે પાણીથી ભરેલા ઇન્જેકશનની પિચકારી તેનાં કાનમાં મારીએ ત્યારે જીવતા અને મરેલા મંકોડા બહાર આવવા લાગતા. પહેલાં તો આ સમસ્યાના કારણે તેને દોઢેક મહિનો સ્કૂલે મોકલી ન હતી. જોકે, હવે તે રોજ સ્કૂલે જાય છે અને પોતે જ કાનમાં પીન નાંખીને મંકોડા બહાર કાઢી નાંખે છે.
શ્રેયાના માતા પિતા કહે છે કે, શ્રેયા ભલે આનાથી ટેવાઇ ગઇ છે, પણ આ મુશ્કેલી તેને સતત સતાવતી રહે છે અને તેના કારણે તે ઘણી ડિસ્ટર્બ પણ રહે છે. તે ઘણી વાર અમને કહેતી હોય છે કે આ મંકોડાને કોઇ જ ના મળ્યું ને હું જ કેમ મળી? જોકે શ્રેયાનું નસીબ એટલું સારું છે કે કાળા ભમ્મર મંકોડા તેને કરડતા નથી. બાકી મંકોડા એવું જીવડું છે કે એક વખત ડંખ મારે પછી પોતે તૂટી જાય પણ સામેવાળીની ચામડી ન છોડે.


