સંંઘપ્રદેશનો પત્ર

Monday 30th May 2022 08:57 EDT
 
 

સંઘ પ્રદેશ દીવ - દમણ - દાદરા નગર હવેલીના સમાચાર...

દીવમાં પોલીસ-પર્યટકો વચ્ચે છૂટા હાથની મારામારી:
પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો મેમો આપતાં વાત વણસી

દીવઃ સંઘ પ્રદેશ દીવમાં રવિવારે ટ્રાફિક પોલીસ અને ગુજરાતી પર્યટક પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. ગુજરાતના ૧૧ લોકોની ઈકો કારને ટ્રાફિક પોલીસે રોકી હતી અને ડ્રાઈવર ડ્રિન્ક કરીને કાર ચલાવી રહ્યો હોવાનું જણાવી મેમો આપ્યો હતો. આ મામલે પર્યટકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી હતી.
સંઘ પ્રદેશમાં સ્થાનિક પોલીસ અને પર્યટકો વચ્ચે થયેલી આ મારામારીનો વીડિયો પણ બહુ વાઇરલ થયો છે. ડ્રાઈવરે દારૂ પીધો હોવાનું જણાવીને પોલીસે તેને મેમો આપ્યો હતો. જોકે આ મુદ્દે પર્યટક પરિવારના કેટલાક સભ્યોએ વાંધો ઉઠાવીને પોલીસ સાથે જીભાજોડી કરી હતી. બાદમાં વાત વણસી હતી અને પર્યટકોએ મેમો બુક ફાડી નાખી હતી. આ સમયે પોલીસે પર્યટકોને ઢસડી-ઢસડીને માર્યા હતા. બીજી તરફ એક પર્યટકે પણ મહિલા પોલીસ ઉપર પર હાથ ઉપાડ્યો હતો, જેને લઈને મામલો વધુ ગરમાયો હતો. આ ઘટના બાદ દીવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તમામ લોકોને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

-----------------

વીજ ઉત્પાદન-વિતરણની કામગીરીનું ખાનગીકરણ થયા બાદ વીજ બિલમાં વધારો ઝીંકાતા વિરોધ
સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવમાં વિદ્યુત વિભાગની પાવર ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી ખાનગી ટોરેન્ટ કંપનીને સોંપાઇ છે. ખાનગી કંપનીએ કામગીરી સંભાળ્યા બાદ ઇસ્યુ કરેલા પ્રથમ વીજ બિલમાં જ તોતિંગ વધારો જોતાં ગ્રાહકોમાં નારાજગી જોવા મળી છે. આ મુદ્દે દીવની વણાકબારાની મહિલાઓએ કલેકટર કચેરીએ ધરણાં પ્રદર્શન કરીને ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. આગામી દિવસોમાં દમણમાં પણ વિરોધનો સૂર ઉઠે તેવી શક્યતા છે. દાનહ અને દમણ દીવ વિદ્યુત વિભાગનું ખાનગીકરણ કરીને તાજેતરમાં જ ટોરેન્ટ કંપનીને પાવર ડિસ્ટ્રીબ્યુશનની જવાબદારી સોંપી છે. ખાનગી કંપની હસ્તક થયા બાદ વીજ પાવર સપ્લાયના ધાંધિયાની ફરિયાદ ઉઠી રહી છે. એ સંજોગોમાં હવે વીજ બિલ વધારાનો વિરોધ પણ થઇ રહ્યો છે. દીવ બાદ હવે ડાભેલ નાગરિક સમિતિના નેજા હેઠળ વીજ બિલની સમસ્યાના નિરાકરણ અર્થે સોમવારે દમણ કલેકટરને મળીને આ મુદ્દે રજૂઆત કરી છે. નાગરિક સમિતિના નવીનચંદ્ર અખ્ખુભાઇ પટેલે એક સોશિયલ મીડિયામાં જણાવ્યું છેકે, ટોરેન્ટ કંપનીએ શરૂઆતથી જ વીજ બિલમાં તોતિંગ વધારો કર્યો હોવાથી જનતાની મુશ્કેલી વધી છે. આ સમસ્યા સમગ્ર પ્રદેશની હોય આ બાબતે સામુહિક વિરોધ દર્શાવીને દરેક પંચાયત તથા પાલિકા અને ઔદ્યોગિક એકમો દ્વારા સમસ્યાનું સમાધાન કરવા માટે સંબંધિત સત્તાધીશોને રજૂઆત કરાશે.

-------------------

સેલવાસ પાલિકા દ્વારા ખાસ રોબોટ વડે પ્રિમોન્સુન કામગીરી
ચોમાસું માથે મંડરાઇ રહ્યું છે ત્યારે સેલવાસ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ખુલ્લી ગટરો - કોતરોમાંથી કચરો અને કાદવ કાઢવાની કામગીરી મજૂરો દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે જ જે ઊંડી ચેમ્બરો છે તેની હાઇ-ટેક રોબોટ દ્વારા સફાઈ કરવામા આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડોકમરડી ગૌશાળા રોડ પર ઊંડી ગટરની ચેમ્બર સફાઈ કરવા માટે મજૂરો ઉતર્યા હતા, જેમાં તેઓને ગેસની અસર થતાં બે મજૂરોનાં મૃત્યુ નીપજ્યા હતા. આવી દુર્ઘટના ટાળવા માટે પ્રસાશન દ્વારા પાલિકા વિસ્તારમાં ગટર ચેમ્બરની સાફસફાઈ માટે ખાસ રોબોટની ખરીદી કરવામાં આવી છે.

-------------------

ખોટા દસ્તાવેજોના આધારે 22 વર્ષ પોલીસ વિભાગમાં નોકરી કરનાર ઇન્સપેક્ટર ટંડેલ સામે ફરિયાદ
દમણ-દીવ પોલીસ વિભાગમાં ભરતી વેળા બોગસ બર્થ સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી 22 વર્ષ નોકરી કરનાર પંકેશ ટંડેલ સામે હવે મોટીદમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ડીઆઇજીપી વિક્રમજીતસિંગ સમક્ષ થોડાક સમય અગાઉ જ ફરિયાદ થઇ હતી કે દીવમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા પંકેશ ટંડેલે પીએસઆઇની ભરતી પ્રક્રિયામાં બોગસ બર્થ સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી છે. આ ફરિયાદ બાદ ગત 14 મેના રોજ તેમને સસ્પેન્ડ કરીને હેડ કવાર્ટર ન છોડવા આદેશ કરાયા હતા. હવે ખાતાકીય તપાસમાં પુરવાર થયું છે કે પંકેશ ટંડેલે પીએસઆઇની ભરતીમાં બોગસ દસ્તાવેજનો ઉપયોગ કરીને નોકરી મેળવી હતી. 22 વર્ષની નોકરીમાં તેમને પીએસઆઇમાંથી પીઆઇનું પ્રમોનશ પણ મળ્યું હતું. આખરે આ મુદ્દે ૨૭ મેના રોજ મોટીદમણના કોસ્ટલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચેતન પટેલે સસ્પેન્ડેડ પીઆઇ પંકેશ ટંડેલની સામે ગુનો નોંધાવ્યો છે. પોલીસે આઇપીસી 420, 465, 468 અને 471 મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

-------------------


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter