• બોગસ પાસપોર્ટ પર અમેરિકા ગયેલો યુવક ડિપોટઃ અમદાવાદથી બોગસ પાસપોર્ટ પર અમેરિકા ગયેલા યુવક બ્રિજેશ વાસુદેવભાઇ પટેલને ડિપોટ કરી દેવાતા તે અમદાવાદ એર પોર્ટ પર આવતા ઇમિગ્રેશન વિભાગે તેને સાતમીએ પકડી લીધો હતો. ઇતિહાદ એરલાઇન્સની આવેલો બ્રિજેશ રૂ. ૫ લાખ આપીને અમેરિકા ગયો હતો.
• રેડ કોર્નર નોટિસ ઈશ્યુના ડરે કોલ સેન્ટર કૌભાંડી સાગર શરણેઃ કરોડો રૂપિયાનાં ગેરકાયદે કોલ સેન્ટર કૌભાંડનાં માસ્ટર માઈન્ડ સાગર મુકેશ ઠાકર ઉર્ફે શેગી ઉર્ફે ઠક્કરની થાણે ક્રાઈમ બ્રાંચે મુંબઈ એર પોર્ટ પરથી ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે ૪૮૯૦ દુબઈના હિરહામ અને બે મોબાઈલ કબજે લેવાયા હતા. ફરાર સાગર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરવાની તૈયારી ચાલી રહી હતી. આથી ગભરાયેલો આરોપી સાગર દુબઈથી મુંબઈ આવી ગયો હતો. તેની ધરપકડને પગલે અનેક મોટા માથાના નામ બહાર આવે તેવી શક્યતા છે.
• અમદાવાદ બ્લાસ્ટ માટે ૪૦ સીમકાર્ડનો ઉપયોગ કરાયો હતોઃ આતંકવાદી યાસીન ભટકલે દસમીએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સામે વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેણે બોમ્બ મૂકવા માટે પૂણેથી સિલ્વર વૂડ મંગાવ્યું હતું અને આતંકવાદી પ્રવૃત્તિ માટે ૪૦ સીમકાર્ડનો ઉપયોગ કર્યો હતો. ૨૦૦૮ અમદાવાદ બ્લાસ્ટના આરોપી યાસીન ભટકલે પૂછપરછ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે બ્લાસ્ટ માટેનું ૧૦૦ નંગ સિલ્વર વૂડ પૂણેથી મંગાવ્યું હતું અને પૂણેથી મોહસીન ચૌધરી, અકબર ચૌધરી અને અન્ય શખ્સો સફેદ કારમાં સિલ્વર વૂડ લાવ્યા હતા. સિલ્વર વૂડ લાવવાના સમયે ઈકબાલ ભટકલ, રિયાઝ ભટકલ, મઝીદ ઉર્ફે નઝીમ અને અનિક અમદાવાદમાં જ હતા.

