• નવનીત પ્રકાશનના સંસ્થાપક ડુંગરશીભાઈ ગાલાનું નિધનઃ નવનીત પ્રકાશન સંસ્થાના સંસ્થાપક અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ડુંગરશીભાઈ રામજી ગાલા (ઉં ૮૨)નું ૨૮મી સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગ્યે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. નવનીતની ઉત્તમ ગુણવત્તાની ગાઇડ્સ, શાળા ઉપયોગી વર્કબુક, નોટબુકના સર્જનમાં યોગદાન આપનારા અગ્રણીઓ, શિક્ષકો, પ્રોફેસર, પ્રિન્સિપાલે ડુંગરશીભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. અંતિમસંસ્કારમાં કચ્છી-ગુજરાતી સમાજના અનેક આગેવાન વેપારીઓ, ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
• મહોરમ પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન: પયગંબર હઝરત મહંમદ (સ.અ.વ.)ના દોહિત્ર ઈમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓ માનવતાના મૂલ્યો જાળવવા કરબલાના મેદાનમાં શહીદ થયા હતા. જેમની યાદમાં રવિવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં મહોરમ પર્વ ઉજવાયું હતું. અમદાવાદ શહેરમાં જ ૯૩ તાજિયા, ૨૫ અખાડા, ૨૦ લાઉડ સ્પીકર, ૭૭ ઢોલ તાસા પાર્ટી, ૨૪ ટ્રક, સાત ઊંટ ગાડી, ૧૪ નિશાન અને અલમ પાર્ટી, ૧૦ માતમી દસ્તાઓ સાથેનું જુલુસ નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
• અમિત શાહની પાટીદારો સાથે બેઠકઃ વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે પાટીદાર સમાજને રીઝવવા અમિતા શાહે ૨૮મી સપ્ટેમ્બરે ગાંધીનગરના કમલમમાં અચાનક જ પાટીદાર ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ સાથે બેઠક યોજી હોવાની ચર્ચા છે. કહેવાય છે કે ૭ પાટીદાર ધાર્મિક સંસ્થાઓમાં ઊંઝા ઊમિયા સંસ્થાન, પાટીદાર ફાન્ડેશન, ખોડલધામ, સિસદર ઉમિયા સંસ્થા સહિત સમાજિક સંસ્થાઓના પીઢ આગેવાનોને અનામત મુદ્દે ચર્ચા કરવા આમંત્રણ અપાયું હતું. બે કલાક સુધી થયેલી ચર્ચામાં હાર્દિક પટેલને કઈ રીતે તોડી શકાય તે અંગેનો તોડ પણ ચર્ચાયો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

