સંક્ષિપ્ત સમાચાર (ગુજરાત)

Tuesday 24th October 2017 14:14 EDT
 

ખેડૂતોને વિના વ્યાજે ત્રણ લાખની લોનઃ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત અગાઉ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ખેડૂતોને વગર વ્યાજે ત્રણ લાખની લોન આપવાની જાહેરાત કરી છે. તેનાથી ૨૫ લાખ ખેડૂતોને ફાયદો થશે. હાલમાં ખેડૂતોને સાત ટકાના દરે લોન અપાય છે. તેમાં ત્રણ-ત્રણ ટકા કેન્દ્ર અને રાજ્ય આપતા હતા. એક ટકો વ્યાજ ખેડૂતોને ભરવાનું હતું. હવે તે પણ આપવું પડશે નહીં. હવે પછી લોન લેનાર ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આમ કરવાથી સરકાર પર રૂ. ૭૦૦ કરોડનો બોજો વધશે. રેલીમાં અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ શાસનમાં ગુજરાતના ખેડૂતોને ૧૮ ટકાના વ્યાજે કૃષિ લોન મળતી હતી.
‘મારો પુત્ર પણ ભાજપમાંથી નથી લડવાનો’ઃ કોંગ્રેસમાંથી છૂટા પડેલા અને જનવિકલ્પ પક્ષના સ્થાપક શંકરસિંહ વાઘેલાએ રાજકોટમાં જાહેરાત કરી હતી કે, આગામી ચૂંટણી હું લડવાનો નથી. મારા પુત્ર મહેન્દ્રસિંહ પણ ભાજપમાંથી ચૂંટણી નથી લડવાના. હા, ૧૮૨ સીટર પરથી જનવિકલ્પના ઉમેદવારો લડશે અને પ્રજાને નવો વિકલ્પ જરૂર મળશે.
‘આપ’ના ૧૧ વિધાનસભા ઉમેદવાર જાહેરઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ) પ્રથમ વખત મેદાને ઉતરી છે. આ ચૂંટણી માટે છેલ્લા એક મહિનાથી ચાલતી પ્રક્રિયાને અંતે ‘આપ’ દ્વારા ૧૧ ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી. જેમાં મુખ્યત્વે સીટોમાં અમદાવાદની બાપુનગર અને દાણીલીમડા, ઊંઝા, છોટા ઉદેપુર, કામરેજ તથા સૌરાષ્ટ્રની સીટો જાહેર થઈ છે.
બિલ્કિસ કેસમાં દોષિત પોલીસની તપાસઃ સુપ્રીમ કોર્ટે ૨૩મી ઓક્ટોબરે બિલ્કિસ બાનુ દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થયેલા પોલીસ અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરાઈ છે કે કેમ તે અંગે ચાર સપ્તાહમાં જવાબ આપવા માટે ગુજરાત સરકારને જણાવ્યું છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયાધીશ એ. એમ. ખાનવિલકર તથા ડી.વાય. ચંદ્રચૂડને સમાવતી બેન્ચે દુષ્કર્મ પીડિતાને અગાઉ દુષ્કર્મ કેસમાં મંજૂર કરાયેલું વળતર વધારવાની માગણી કરતી નવેસરથી અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે.
વડોદરા - સુરતમાં અશાંત ધારોઃ ગુજરાત સરકારે સુરત શહેરના વોર્ડ નં.૧થી ૧૨માં તેમ વડોદરાના બાપોદ પોલીસ મથકમાં સમાવિષ્ટ કેટલીક સોસાયટીઓમાં પણ અશાંત ધારાની જોગવાઇઓ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. જોગવાઇના કારણે હવેથી વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદિલી અંગે જિલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter