• રણછોડજી મંદિરના મહંત પર દુષ્કર્મનો આક્ષેપઃ અમદાવાદના નાંદેજના રણછોડજી મંદિરના મહંત સુરેશદાસજી ઉર્ફે સુરેશ તિવારી વિરુદ્ધ બુરુકસાઈની વતની મહિલાએ દુષ્કર્મનો આક્ષેપ કર્યો છે. ઝારખંડના આનંદપુર પોલીસ મથકમાં કેસ નોંધાયો છે. મહંતે આ અંગે કહ્યું કે, પીડિતા તેની દાસી છે અને તેને પત્નીનો દરજ્જો પણ આપ્યો છે. પોલીસના જણાવ્યાનુસાર મહંતે પીડિતાને લગ્નની લાલચ આપી અમદાવાદના મંદિરમાં જ અનેકવાર શારીરિક શોષણ કર્યું હતું. પીડિતાએ જ્યારે લગ્નની વાત કરી તો તે ટાળતો રહ્યો. આ દરમિયાન પીડિતા ગર્ભવતી બની. ૨૦૧૬માં તેણે એક બાળકને જન્મ આપ્યો. મહંતે કહ્યું કે હું એક મહંત છું, લગ્ન કેવી રીતે કરી શકું? તું મારી દાસી છે. આવી જ રીતે સેવા કર. પીડિતાના પરિવારે દાવો કર્યો છે કે સુરેશદાસજી મધ્ય પ્રદેશનો છે અને ૧૦ વર્ષ પહેલાં તે આનંદપુરના લોલીપોપના વિશ્વ કલ્યાણ સમાજ આશ્રમમાં રસોઈયો હતો. ગુજરાત જઈને તે બાબા બની ગયો છે.
• પ્લેન હાઈજેકની ધમકીમાં પાગલ પ્રેમીની તપાસઃ અમરેલીનો અને વર્ષોથી મુંબઈ સ્થાયી થયેલો કરોડપતિ ઝવેરી બીરજુ કિશોરકુમાર સલ્લા (ઉં.૩૭) અવારનવાર જેટ એરવેઝમાં સફર કરતો હતો. એરવેઝ તરફથી તેને સીપીઆઈ (કમર્શિયલ ઈમ્પોર્ટન્ટ પેસેન્જર)નું સ્ટેટસ પણ મળ્યું હતું. બીરજુએ તાજેતરમાં આ એરવેઝની ફ્લાઈટ હાઈજેકનો ધમકીભર્યો પત્ર ફ્લાઈટમાં મૂકીને અફરાતફરી મચાવી દીધી હતી કારણ કે તે આ એરવેઝમાં કામ કરતી પ્રેમિકાની નોકરી છોડાવવા માગતો હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું કે બીરજુનું દિવાસ્વપ્ન હતું કે રોયલ એરલાયન્સ નામની પોતાની કંપની શરૂ થાય અને તેની પ્રેમિકા તેમાં જ નોકરી કરે. જોકે, પોલીસે જણાવ્યું છે કે બીરજુ આવી કોઈ એરલાયન્સ કંપની શરૂ કરી શકે તેટલો સક્ષમ નથી. વળી, નવા કાયદા અનુસાર આતંકવાદની કે ફ્લાઈટ હાઈજેકની
ધમકી માટે કદાચ બીરજુને જીવે ત્યાં સુધીની જેલ થઈ શકે છે.
• હસમુખ અઢિયા કેન્દ્રમાં નાણાં સચિવઃ ગુજરાત કેડરના ૧૯૮૧ બેચના વરિષ્ઠ સનદી અધિકારી હસમુખ અઢિયાને કેન્દ્રીય નાણા સચિવ તરીકે જાહેર કરાયા છે. તેઓ મહેસૂલ સચિવ પદ ઉપર ચાલુ જ રહેશે. કેન્દ્રીય કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ સોમવારે હસમુખ અઢિયાને ફાઈનાન્સ સેક્ર્ટરી તરીકે ડેઝીગ્નેટ કરતો હુકમ બહાર પાડ્યો હતો. કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં પાંચ વિભાગોમાં ખર્ચ, આર્થિક બાબતો, બેન્કિંગ તથા નાણાકીય સેવાઓ, મહેસૂલ તથા મૂડીરોકાણ અને જાહેર અસ્કામતોનું સંચાલનનો સમાવેશ થાય છે. આ પાંચ વિભાગોના સેક્રેટરીઓમાંથી જે સિનિયર હોય તેમને નાણા સચિવ નિયુક્ત કરાય છે. અત્યાર સુધી ખર્ચની બાબતો સંભાળતા અધિકારી અશોક લવાસા નાણાં સચિવ તરીકે ફરજ બજાવતા હતા. જેઓ નિવૃત્ત થતાં હવે સૌથી સિનિયર અધિકારી તરીકે હસમુખ અઢિયા નાણાં સચિવ પદે નિયુક્ત થયા છે.
• અન્ડર ટ્રાયલ કેદીના કેસ વીડિયો કોન્ફરન્સથીઃ ગુજરાત સહિત આઠ રાજ્યોના કુલ નવ સુધારા બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે. આ બિલમાં ગુજરાતના સીપીસી સુધારા (૨૦૧૭)નો પણ સમાવેશ થાય છે. બિલ મંજૂર થતાં હવેથી કોઇ અન્ડર ટ્રાયલ અપરાધી વીડિયો કોન્ફરન્સથી પણ જજ સમક્ષ હાજર થઇ શકશે. જ્યારે ટ્રાયલ ચાલતી હોય ત્યારે તેણે કોર્ટમાં આવવાની જરૂર નહીં રહે માત્ર વીડિયો કોન્ફરન્સથી પણ આ અપરાધીની વાતને સાંભળવામાં આવશે અથવા તો તેને આદેશ સંભળાવવામાં આવશે. આ બિલનો હેતુ પોલીસનો ઓછો ઉપયોગ અને સુરક્ષાનો છે.
• VVPATમુદ્દે સુનાવણી ટળીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વપરાશમાં લેવાનાર VVPAT મશીન ફર્સ્ટ લેવલ ચેકિંગમાં ખામી ભરેલા નીકળતા તેની વિશ્વસનીયતાને પડકારતી પીટીશન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી છે. પિટિશનમાં એવો મુદ્દો ઉપસ્થિત કરાયો છે કે આગામી વિધાનસભામાં ખામી ભરેલા VVPATનો ઉપયોગ ન થવો જોઈએ જે તેમ થશે તો ચૂંટણી પારદર્શક રીતે યોજાશે નહીં.

