• એનઆરઆઈના સામાનની અમદાવાદ એર પોર્ટ પરથી ચોરી!ઃ વસ્ત્રાપુરના સેટેલાઇટ ટાવરમાં રહેતા જીવણભાઇ સેનવાએ તેમનાં પત્ની રમાબહેન સાથે બે મહિના બાદ ૩૦મી નવેમ્બરે અમેરિકાથી અમદાવાદ ઇન્ટરનેશનલ એર પોર્ટ પર ઉતરાણ કર્યું હતું. જીવણભાઇએ એર પોર્ટ પર સામાન સ્કેનિંગ માટે મૂક્યો હતો. સામાન સ્કેન થઇ ગયા પછી જણાયું કે એક બેગ ઓછી હતી. વૃદ્ધે એર પોર્ટ ઓથોરિટીને જાણ કરતાં પોલીસ આવી અને જીવણભાઇએ આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનમાં પોતાના કાગળો, કપડાં, ૨૫૦૦ ડોલર અને ૨૪૦૦ રોકડ ભરેલી બેગની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.
• શગુનના સ્ટોર્સનું ઉદઘાટન કરનારી અભિનેત્રીઓની તપાસઃ હિંમતનગરના સન કોમ્પલેક્સમાં રહેતા મનીષ શાહ અને તેની પત્ની ગીતા શાહે શગુન બિલ્ડસ્કવેર અને શગુન એગ્રીસ્પેસ કંપનીઓ ઊભી કરી વિવિધ લોભામણી સ્કીમો મૂકી ૬ વર્ષમાં રૂ. ૩૦૦ કરોડનું ફુલેકું ફેરવી નાંખ્યું છે અને હવે દંપતી અન્ડર ગ્રાઉન્ડ છે. ગુજરાત અને રાજસ્થાનમાં રૂ. ૩૦૦ કરોડનું કૌભાંડ કરનારી કંપનીના સ્ટોર્સનાં ફિલ્મ અભિનેત્રી કરિશ્મા કપૂર, કરિના કપૂર, અમિષા પટેલ અને પ્રાચી દેસાઈના હસ્તે ઉદ્ઘાટન થયાં હતાં. એક સ્ટોરના ઉદઘાટન માટે અભિનેત્રીને રૂ. ૧૫ લાખ મળ્યાં હતાં. તેથી અભિનેત્રીઓને ક્રાઇમ બ્રાન્ચ તપાસ માટે બોલાવશે.
• સોહરાબુદ્દીન કેસની સુનાવણીમાં મીડિયા પર પ્રતિબંધઃ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સોહરાબુદ્દીન શેખના મૃત્યુ પ્રકરણે મુંબઈની સેશન્સ કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી ગોપનીય રાખવાનો નિર્ણય કોર્ટે લેતાં પ્રસાર માધ્યમો પર પ્રતિબંધ મૂક્યો હતો.
• ‘હું ગુજરાતીનો પુત્ર છું’ઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે સુરતના હિન્દીભાષીઓની વસતી ધરાવતા વિસ્તારમાં બીજીએ ત્રણ સભા યોજીને કહ્યું કે, કોંગ્રેસના યુવા નેતાને ગુજરાતનો વિકાસ દેખાતો નથી. તેમને માણસોની બીમારી દેખાય છે. જોકે ગુજરાતના પનોતો પુત્રએ વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે. રાજનાથે કહ્યું કે મારી માતાનું નામ ગુજરાતી દેવી છે. તેથી હું ગુજરાતનો પુત્ર છું.
• ‘અબ કી બાર આંકડો સે વાર’: કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી સમયે રવિવારે ઘણી ટ્વિટ્સ કરી. પોતાની પહેલી ટ્વિટમાં તેમણે કહ્યું કે, છેલ્લા ૫૭ વર્ષમાં દેશના અન્ય રાજ્યની જેમ ગુજરાતે પણ પ્રગતિ કરી છે. ગુજરાતને પણ ૧૯૯૧ના આર્થિક ઉદારીકરણનો લાભ મળ્યો છે, પણ તે અપવાદ નથી. બીજી ટ્વિટમાં ભાજપ અને વડા પ્રધાન પર વાર કરતાં કહ્યું કે, વિકાસના ક્રમમાં ગુજરાત ક્યાં ઉભું છે? તે જુઓ. સામાજિક પ્રગતિ ઇન્ડેક્સમાં દેશના ૨૯ રાજ્યોમાં ગુજરાત ૧૫મા સ્થાને છે એટલે કે ૧૪ રાજ્ય ગુજરાતથી આગળ છે.

