બાંભણિયાનો હાર્દિક સામે બળવોઃ પ્રથમ તબક્કાના મતદાનની પૂર્વસંધ્યાએ ‘પાસ’ના જ નેતા હાર્દિક પટેલના સૌથી મજબૂત સાથીદાર દિનેશ બાંભણિયાએ છેવટે હાર્દિક સામે બળવો કર્યો હતો. હાર્દિક પાટીદાર સમાજના નામે રાજનીતિ કરી કોંગ્રેસને સત્તા પર લાવવા તેના એજન્ટ તરીકે વર્તી પ્રચાર કરી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો હતો. તે સાથે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં પાટીદારોને ઓબીસી ક્વોટામાં વધારો કરીને અનામત આપવાનો કોઇ ફોડ પાડ્યો નથી તેમ પણ કહ્યું હતું. જેથી લાગે છે કે કોંગ્રેસ ક્યારેય પાટીદાર સમાજને અનામત આપવા માગતો નથી. તેથી પાટીદારો તેનું હિત અને ભવિષ્ય સમજીને મતદાન કરે તેવી પણ અપીલ કરી હતી. દિનેશે ૧૮ ડિસેમ્બર સુધી પોતે આંદોલનમાં નિષ્ક્રિય થવાનો અને આંદોલન સ્થગિત કરી દેવું જોઇએ તેમ પણ જાહેર કર્યું હતું. હાર્દિકની કથિત સેક્સ સીડી મામલે પણ દિનેશે કહ્યું છે કે, એકાદ સીડી મોર્ફ હોઇ શકે પણ આટલી બધી સીડી બહાર પડી છે ત્યારે સમાજના નેતા હોય તેને આવો વ્યભિચાર શોભતો નથી.
ચૂંટણી ભાજપ જ જીતશે, કોંગ્રેસ તો હારવાની સોપારી લીધી છેઃ થોડા મહિના અગાઉ કોંગ્રેસ છોડનારા ગુજરાતના વરિષ્ઠ નેતા અને માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે રાજ્યમાં થઈ રહેલી ચૂંટણીમાં ભાજપનો જ વિજય થશે. તેમણે કહ્યું કોંગ્રેસે હારવાની સોપારી લીધી છે. કોંગ્રેસ પાસે ગુજરાતમાં ચૂંટણી જીતવાની આ સારી તક હતી. તેમણે હોમવર્ક બરાબર કર્યું નથી. ટિકિટ વહેંચણીથી લઈ દરેક બાબતે તેમણે યોગ્ય માર્ગદર્શન વિના નિર્ણય લીધા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પ્રથમ તબક્કામાં શનિવારે મતદાન થઈ ચૂક્યું છે. બીજું અને આખરી તબક્કાનું મતદાન તા. ૧૪મીએ થશે. ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશના પરિણામો પણ ૧૮મીએ જાહેર થશે.
તડીપાર દીનુ બોઘા સોલંકીએ કોડીનારમાં પ્રચાર કર્યોઃ આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસમાં સાંસદ દીનુ બોઘા સોલંકીને કોર્ટે ૬ ડિસેમ્બરે જામીનમુક્ત કરી જેલમાંથી ગુજરાત બહાર જવાનો આદેશ કર્યો હતો. જોકે, સોલંકી સાતમીએ કોડીનારમાં પ્રચાર કરતા દેખાયા. હાઈ કોર્ટના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે, દીનુભાઈએ જેલમાંથી સીધા જ ગુજરાતની હદ છોડવાની હતી, પણ તેઓ કોડીનારમાં ચૂંટણી પ્રચાર કરતા હતા. તેમની સામે કોર્ટમાં અમે કન્ટેમ્પ્ટની અરજી પણ કરાઈ છે. સુપ્રીમ કોર્ટમાં તેમના જામીન રદ કરાવવાની અરજી પણ કરી દીધી છે. કોડીનાર પીઆઇ તેમજ રીટર્નીંગ ઓફિસરને પણ ફરિયાદ કરી છે. તેમણે પત્નીની બીમારીનું કારણ આગળ ધરી ૩ દિવસ હોસ્પિટલમાં રહેવાની પરવાનગી હોવાનો દાવો કરીને સૌને છેતર્યાં છે.

