• મારુતિનંદન બિલ્ડર્સનું રૂ. ૩૦૦ કરોડનો કાંડઃ ઇન્કમટેક્સ વિભાગે અમદાવાદના મારુતિનંદન બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સની ઓફિસે પાડેલા દરોડામાં કરચોરીનો આંક રૂ. ૩૦૦ કરોડને આંબી ગયો છે. નોટબંધી વખતે કરોડો રૂપિયાના બ્લેકમની બેંકમાં જમા કરાવી આ રકમમાંથી કરોડોની જમીન ખરીદી હોવાના વ્યવહારો પકડાયા છે. મારુતિનંદન દ્વારા પોશ વિસ્તારમાં ૨-૩ અને ૪ બીએચકેના ફ્લેટ વેચવામાં આવ્યા હતા. પરંતુ તેનો ચોપડે કે બીજો કોઈ ઉલ્લેખ કરાયો નહોતો. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને તપાસને અંતે કરચોરીનો આંક વધે તેવી શક્યતા છે.
• ‘રજવાડું’ પર દરોડાઃ સ્ટેટ જીએસટી વિભાગે તાજતેરમાં અમદાવાદની ‘રજવાડું’ હોટલ પર દરોડા પાડીને રૂ. ૭ કરોડના શંકાસ્પદ બિનહિસાબી વ્યવહારો પકડી પાડ્યા છે. હોટલના સંચાલક રાજેશ પટેલને સમન્સ ઇશ્યુ કરાયું છે.
• હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ ચાલશેઃ અનામત આંદોલનમાં ઉશ્કેરણીજનક ભાષણો કરી અરાજકતા ફેલાવવાના રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલે પોતાને બિનતહોમત છોડી મૂકવાની કરેલી અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતાં રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ સહિતના આરોપીઓ દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલ સામે પણ ૨૧ માર્ચે તહોમતનામું ઘડવાનો નિર્દેશ કોજારી કરી દીધો છે જેના કારણે આ આરોપીઓ સામે રાષ્ટ્રદોહનો કેસ ચાલશે.
• ઇશરત એન્કાઉન્ટરમાં પાન્ડેય મુક્તઃ ઇશરત જહા સહિત ૪ જણાના એન્કાઉન્ટર કેસમાં પી. પી. પાન્ડેયની બિનતહોમત છોડી મુકવાની અરજી ગ્રાહ્ય રાખતા સીબીઆઇએ નોંધ્યું હતું કે, પાન્ડેય સામે પ્રથમ દર્શનીય કેસ બનતો નથી. એન્કાઉન્ટરમાં તેમણે કોઈ હથિયારનો ઉપયોગ કર્યો નથી. સાક્ષીઓના નિવેદનો વિવાદાસ્પદ છે. સરકારી કર્મચારી સામે ચાર્જશીટ કરવા માટે સીબીઆઇએ સીઆરપીસીની કલમ ૧૯૭ મુજબ પરવાનગી લીધી નથી.

