સંક્ષિપ્ત સમાચાર (ગુજરાત)

Wednesday 07th March 2018 06:00 EST
 

અમદાવાદ-દીવની ‘ઉડાન’ની પાંખ કપાઈ ગઈ!: કેન્દ્ર સરકારની મહત્ત્વકાંક્ષી યોજના ‘ઉડે દેશ કા આમ નાગરિક’ (ઉડાન) હેઠળ ગુજરાતમાં બરાબર બે સપ્તાહ અગાઉ શરૂ કરાયેલી ઇન્ટ્રા સ્ટેટ એર સર્વિસનું ભાવિ અંધકારમય થવા લાગ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે અમદાવાદ-દીવની તેમજ અમદાવાદ-જામનગરની ફ્લાઇટ ‘ટેક્નિકલ’ ખામીને કારણે અનિશ્ચિત સમય માટે બંધ કરાઇ છે. હાલ માત્ર અમદાવાદ-મુન્દ્રા વચ્ચે જ આ એર સર્વિસ જારી છે. 
તાલાળા પંથકમાં ૨.૨ના ભૂકંપના આંચકાથી લોકોમાં ભયઃ તાલાળા પંથકમાં પહેલી માર્ચે સવારે ૨.૨નો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ગાંધીનગરમાં આવેલા સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા મુજબ આ આંચકો તાલાળા પંથકમાં ૮-૨૪ કલાકે નોંધાયો હતો. તેની તીવ્રતા ૨.૨ નોંધાઈ હતી. આ આંચકાનું એપી સેન્ટર તાલાળા ગીરથી ૬ કિ.મી. દૂર સાઉથ-વેસ્ટમાં નોંધાયું હતું. આ આંચકો જમીનમાં માત્ર ૧૩ કિ.મી. ઊંડાઈથી ઊદભવ્યો હતો. થોડા દિવસની શાંતિ બાદ ફરીથી ભૂકંપના આંચકા આવવાનો પ્રારંભ થતાં લોકોમાં ભય ફેલાયો છે. દક્ષિણ દિશામાંથી ઉદભવેલાં આંચકાને કારણે નવી ફોલ્ટલાઈટ શરૂ થયાની પણ ચર્ચા જાગી છે.
વાંસદા રેંજમાં વનવિભાગની લાપરવાહીથી ડુંગર સળગતો રહ્યોઃ વાંસદા પશ્ચિમ રેંજના વાઘાબારી ગામના મોટાફળિયા ડુંગર ઉપર કમ્પાઉન્ડ નંબર ૪૨૯માં ચોથી માર્ચે સવારે આઠ વાગ્યાથી આગ લાગી હતી અને આ આગ જોતજોતામાં પ્રસરવા લાગતાં ગ્રામજનોએ પશ્ચિમ રેંજ વનવિભાગને જાણ કરવા છતાં બે કલાક સુધી એક પણ વનકર્મી દેખાયા નહીં. જોતજોતામાં સમગ્ર ડુંગરમાં આગ ફેલાતી ગઇ હતી. બે કલાક બાદ હરકતમાં આવેલા વનવિભાગની ધીમી કાર્યવાહીને લઇ આગ સાંજ સુધીમાં કાબૂમાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter