• રાજ્યમાં દારૂની નવી પરમિટ/રિન્યુ પર રોકઃ રાજ્ય સરકારે સ્વાસ્થ્યના કારણસર અપાતી દારૂની પરમિટ અને જૂની પરમિટને રિન્યૂ કરવાની કામગીરી બંધ કરી દીધી છે. રાજ્યના ગૃહ વિભાગે તાત્કાલિક અસરથી આ નિર્ણય કર્યો છે. જાણકારોના મતે સરકારના આ નિર્ણયને પગલે બુટલેગરોને જલસા પડી જવાના છે. જે લોકોની પરમિટ રિન્યુ નહિ થાય તેઓ હવે બુટલેગરો પાસેથી દારૂ ખરીદતાં થશે.
• ડિપ્રેશનને લીધે મહિલા ડોક્ટરનો આપઘાતઃ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતી ૨૬ વર્ષીય મહિલા ડોક્ટર રૂહી હાથીદરાએ હોસ્પિટલની હોસ્ટેલના ધાબે પ્રોપોફોલ અને પોટેશિયમ ક્લોરાઇડનું ઇન્જેકશન લઈને ૨૪મીએ આત્મહત્યા કરી હતી. પરીક્ષાનું ટેન્શન હોઈ તેણે આ પગલું ભર્યાનું કહેવાય છે. રૂહીના પિતાએ પોલીસને જણાવ્યું કે, ‘દીકરીના અઢી વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. તેનું લગ્નજીવન સારું ચાલતું હતું. જમાઈ દીકરા જેવો છે.’
• બુલેટપ્રૂફ જેકેટ હશે તો જ અમરનાથ યાત્રાઃ અમરનાથ યાત્રાએથી પરત ફરતી વખતે ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં સુરતના યાત્રિકોની બસ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગે અમરનાથ યાત્રા અંગે ટૂર ઓપરેટરો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં યાત્રાળુ, બસના ડ્રાઈવર અને કંડકટર માટે પણ બુલેટપ્રૂફ જેકેટની વ્યવસ્થા કરવી ટૂર ઓપરેટર માટે ફરજિયાત બનાવાઈ છે. આ માર્ગદર્શિકા પ્રમાણે યાત્રિકો પાસે બુલેટપ્રૂફ જેકેટ નહીં હોય તો યાત્રાની મંજૂરી નહીં મળે.
• ૭૦ વર્ષીય એનઆરઆઈ લગ્ન કરીને છૂઃ અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતાં વિધવા વૃદ્ધા જૈમિનીબહેને ૨૦૧૫માં ન્યૂઝ પેપરમાં ૭૦ વર્ષીય એનઆરઆઈ લગ્ન કરવા ઇચ્છુક વૃદ્ધ રમેશભાઈની જાહેરાત વાંચ્યા બાદ પાછલી જિંદગી સારી જાય એ આશયથી લગ્ન કરવા વિચાર્યું હતું. એનઆરઆઈ રમેશભાઈએ જૈમિનીબહેન સાથે લગ્ન કર્યાં અને પંદર દિવસ સાથે પણ રહ્યા. એ પછી તેઓએ જૈમિનીબહેનને કહ્યું કે અમેરિકામાં કેટલીક વિઝા કાર્યલાહી બાદ તેઓ તેમને અમેરિકા લઈ જશે. જૈમિનીબહેન અમદાવાદમાં તેમના બહેનને ત્યાં રહેવા લાગ્યા. રમેશભાઈ અમેરિકા લઈ જવાનું કહી ત્યાંથી પરત આવ્યા જ નહીં અને ફોન કરવાના પણ બંધ કરી દીધા. જેથી કંટાળી ૬૦ વર્ષીય વૃદ્ધાએ ફેમિલી કોર્ટમાં એનઆરઆઈ પતિ સામે ભરણ પોષણનો દાવો માંડ્યો છે.

