સંક્ષિપ્ત સમાચાર (ગુજરાત)

Wednesday 04th April 2018 08:10 EDT
 

• ૭૫ મેગાવોટના પાવરપ્લાન્ટનો પ્રોજેક્ટ ‘ભેલ’ને: રાજ્યમાં સ્થપાનારા ૭૫ મોગાવોટના પાવર પ્લાન્ટ માટેનો કોન્ટ્રાક્ટ તાજેતરમાં ભારત હેવિ ઇલેક્ટ્રીકલ્સ લિમિટેડ (ભેલ)ને મળ્યો છે. આ કોન્ટ્રાક્ટ માટે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ. દ્વારા આ પ્રોજેક્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી અને ભારે સ્પર્ધા વચ્ચે ભેલ કંપની પ્રોજેક્ટ મેળવવામાં સફળ રહી હતી. ભેલને મળેલા આજ સુધીના પ્રોજેક્ટમાંથી આ સૌથી મોટો મનાય છે.
• રાજ્યમાં ચાળીસેક અધિકારીઓની બદલી: વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારે ૬૭ આઇએએસ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ કર્યા છે. મોટાભાગના જિલ્લાઓમાં કલેક્ટર- ડીડીઓની બદલી થતાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરાયા છે. રૂપાણી સરકારની બીજી ટર્મમાં પ્રથમવાર મોટાપાયે બદલીઓ થઇ છે. અમદાવાદ કલેક્ટર અવંતિકા સિંઘને તાલીમ અને રોજગારમાં મુકાયાં છે જ્યારે રાજકોટ કલેક્ટર વિક્રાંત પાંડેને અમદાવાદ કલેક્ટર બનાવાયા છે. કેટલાક વિભાગોના કમિશનર અને નિયામકની પણ બદલીઓ કરાઇ છે. સુરતના કલેક્ટર મહેન્દ્ર પટેલના સ્થાને ધવલ પટેલ નિમાયા છે. રાહુલ ગુપ્તાને રાજકોટના કલેક્ટર નીમવામાં આવ્યા છે. વડોદરાના કલેક્ટર તરીકે શાલિની અગ્રવાલની નિમણૂક થઈ છે. સુરતના કલેક્ટર મહેન્દ્ર પટેલને ગાંધીનગરમાં નવી કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીમાં એડમિનિસ્ટ્રેશનમાં મૂકવામાં આવ્યા છે. નવસારીના કલેક્ટર તરીકે ડો. એમ. ડી. મોડિયા નિમાયા છે. સુરતના ડે. કમિ. નાગરાજનની નિમણૂક અરવલ્લીના કલેક્ટર તરીકે થઈ છે. સંદીપ સગાલે બનાસકાંઠાના કલેક્ટર બન્યા છે.
• ભાજપી કાર્યકરની વિધાનસભામાં સેલ્ફી!: વડોદરા ભાજપના કાર્યકર રાહુલ પરમાર સંબંધીઓ સાથે ૩૧મી માર્ચે ગાંધીનગરમાં આવેલી વિધાનસભા જોવા માટે ગયો હતો. વિધાનસભામાં તે સમયે કોઈપણ હાજર ન હોવાથી યુવાને અધ્યક્ષની ચેરમાં બેસીને સેલ્ફી લીધી હતી અને ફોટા પણ પડાવ્યા હતા. આ મામલે હોબાળો મચી ગયો છે. રાહુલ એન્જિનિયર છે અને તે વડોદરાના વોર્ડ સાતમાં ભાજપનો કાર્યકર હોવા સાથે આરટીઆઇ એક્ટિવિસ્ટ પણ છે. રાહુલે કહ્યું કે, તે સંબંધી સાથે વિધાનસભા જોવા માટે ગયો હતો. વિધાનસભામાં કોઈ ન હોવાથી અધ્યક્ષની ચેરમાં બેસીને સેલ્ફી લીધી હતી અને ફોટોગ્રાફ્સ પડાવ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, વિધાનસભામાં ફોટો પાડવો તે વિશેષાધિકાર ભંગ છે. આથી તપાસ બાદ યુવક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter