ભાજપના સાંસદ કે. સી. પટેલ હનીટ્રેપમાં ફસાયા?: વલસાડ-ડાંગના ભાજપના સાંસદ કે. સી. પટેલે તેમને મહિલાઓ દ્વારા ચલાવાતી એક ગેંગે હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની ફરિયાદ પહેલી મેએ કરી છે. સાંસદના કહેવા મુજબ તેમને ગાઝિયાબાદમાં લઈ જઈને તેમની અશ્લિલ સીડી બનાવીને તેમને બ્લેકમેલ કરાય છે. સાંસદે કહ્યું કે, ગેંગની સંચાલક મહિલા તેમની પાસેથી રૂ. પાંચ કરોડ માગે છે. સામે મહિલાએ સાંસદને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી છે. સાંસદની ફરિયાદ પછી દિલ્હી પોલીસે ટીમ બનાવી આ કેસની તપાસ આદરી છે. ત્યાં જ સોમવારે નવો ખુલાસો સામે આવ્યો છે કે સાંસદે મહિલાનાં નામે રૂમ બુક કરાવ્યા હતા. સાંસદે મહિલાનાં નામે પોતાનાં લેટરહેડ પર વીપી હાઉસમાં બે રૂમ બુક કરાવવા અરજી કરી હતી. આ પત્ર ૧૦ માર્ચ ૨૦૧૭ના રોજ લખાયો હતો. સાંસદે મહિલાને પોતાની ગેસ્ટ દર્શાવીને ૧૧ મહિના સુધી રૂમ બુક રાખવા જણાવ્યું હતું. સાંસદની ફરિયાદ પછી વકીલ પીડિતાએ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા એક કેસ સંદર્ભે તેની મુલાકાત કે. સી. પટેલ સાથે થઈ હતી. સાંસદે કામ અપાવવાને બહાને છેતરીને તેના પર રેપ કર્યો હતો. કે. સી.નો આરોપ છે કે મહિલાએ તેમને બેહોશ કરીને આપત્તિજનક દશામાં તેમના ફોટા પાડી લીધા હતા અને હવે પૈસા માટે તેમને બ્લેકમેલ કરે છે. એક દિવસ મહિલા સાંસદને પોતાનાં ઘેર લઈ ગઈ અને તેમણે ત્યાં ચા પીધી અને તેઓ બેભાન બની ગયા હતા.
અખાત્રીજે રૂ. ૬૦ કરોડના સોનાનું વેચાણઃ સોના-ચાંદી બજારમાં ૨૮મી એપ્રિલના રોજ અખાત્રીજે ગ્રાહકોની ભારે ભીડ દેખાઈ હતી. આ દિવસે સામાન્ય દિવસોની તુલનાએ ૩૦થી ૩૫ ટકા સુધી સોના ચાંદીનું વધું વેચાણ થયાનું નોંધાયું હતું. તેવું વેપારી જવેલર્સ વર્ગ જણાવે છે. લોકોએ નીચા ભાવે લગ્નસરાના દાગીનાની ખરીદીની તક ઝડપી લીધી હતી. બુલિયન માર્કટેના જાણકારોના જણાવ્યા મુજબ અમદાવાદમાં રૂ. ૯ કરોડના મૂ્લ્યના ૩૦ કિલો સોનાનું વેચાણ થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. તો શહેરમાં ૨૫૦ કિલો ચાંદીનું વેચાણ થયું હોવાનું મનાય છે. આ સાથે સમગ્ર રાજ્યમાં લગભગ ૨૦૦ કિલો સોનાનું વેચાણ થયું હોવાનું જ્વેલર્સ જણાવી રહ્યાં છે. જેનું કુલ મૂલ્ય રૂ. ૬૦ કરોડ જેટલું થાય છે. અમદાવાદમાં આ દિવસે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૨૯,૫૦૦ અને ચાંદીનો કિલોદીઠ રૂ. ૪૦,૫૦૦ રહ્યો હતો.
‘આનંદીબહેન રાષ્ટ્રપતિ બનવા યોગ્ય છે’ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તાજેતરમાં ટિ્વટ કરીને કહ્યું હતું કે, દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે આનંદીબહેન પટેલ યોગ્ય ઉમેદવાર છે. તે બાબતે આખરે રાજ્યનાં પૂ્ર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેને ૨૬મીએ પ્રત્યુત્તર આપતા કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ થવા મુદ્દે સ્વામી સાથે ચર્ચા થઈ હતી, પણ હું ગુજરાત છોડીને ક્યાંય જવાની નથી. ઘાટલોડિયાની મ્યુ.કોર્પોરેશન સ્કૂલમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ આનંદીબહેનને સ્વામીએ તમે રાષ્ટ્રપતિપદના યોગ્ય ઉમેદવારો છે તેવું કહ્યું હતું. તમારું શું કહેવું છે? તેવું પૂછવામાં આવતા તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, 'સ્વામીને પૂછો.' હું ગુજરાત છોડીને કયાંય જવાની નથી.
મુખ્ય પ્રધાનના મોટાભાઈ ચંદ્રકાંત રૂપાણીનું નિધનઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મોટાભાઈ ચંદ્રકાંતભાઈ રૂપાણીનું ૨૭મી એપ્રિલે સવારે કોલકાતામાં અવસાન થયું હતું. વિજયભાઈ રૂપાણી તથા તેમના મોટાભાઈઓ લલિતભાઈ રૂપાણી અને પ્રવીણભાઈ રૂપાણી સહિત સમગ્ર રૂપાણી પરિવારને ચંદ્રકાંતભાઈની શોકસભામાં ઉપસ્થિત રહેલા જ્ઞાતિજનો, રાજકીય તથા સામાજિક અગ્રણીઓ, નગરજનો તેમજ સમાજના શ્રેષ્ઠીઓએ સાંત્વના આપી હતી. મોટાભાઈના અવસાનના સમાચાર મળતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ૨૮મીએ જ કોલકાતા રવાના થયા હતા. ચંદ્રકાંત રૂપાણીનો પરિવાર વર્ષોથી કોલકાતા સ્થાયી થયો છે. કોલકાતામાં પરિવારજનોએ તેમની અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ વિજય રૂપાણીએ રાજકોટમાં લૌકિક વિધિ વ્યવહાર કર્યા હતા. ૨૭મીએ વિજય રૂપાણી દાહોદ, ગોધરા અને જામનગરમાં સરકારી કામો પૂર્ણ કરી બીજા દિવસે કોલકાતા ગયા હતા.
કોંગ્રેસની ‘કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા’: રાજ્યના દરિયાકિનારાને બચાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ૩મેથી ‘કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા’ કાઢશે, તેમ વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયાએ ૨૮મીએ જણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાત સરકારે કોંગ્રેસના શાસનમાં માછીમારોને અપાયેલા લાભ અને યોજનાઓ છીનવી લીધા છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકીની હાજરીમાં કચ્છ-માંડવીથી યાત્રાનો આરંભ થશે. ૧૨મેએ વલસાડના ઉમરગામ ખાતે પૂર્ણાહુતિ થશે. ઉમરગામમાં જનસભાને રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલ સંબોધશે. યાત્રાના રૂટ પર ૩૦ જેટલી જનસભા યોજાશે. આ જનસભાને પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, સિદ્ધાર્થ પટેલ, મધુસૂદન મિસ્ત્રી, શક્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો સંબોધશે.
એર પોર્ટના રનવે પાસે વાંદરાઓની ધમાલ: સરદાર પટેલ ઇન્ટરનેશનલ એર પોર્ટના રન વે પર ૨૮મી એપ્રિલે સવારે લગભગ ૯.૪૫ વાગે કેટલાક વાંદરાઓએ કૂદાકૂદ કરતાં હોવાનું એટીસી અધિકારીઓની નજરે પડતાં તાત્કાલિક એ સમય દરમિયાન આવતી જતી વિમાની સેવાને અટકાવાઈ હતી. જેમાં બે ફ્લાઈટનો સમય સચવાયો નહોતો. જોકે થોડા સમયમાં જ વાંદરાઓને ત્યાંથી હાંકી કાઢ્યા બાદ વિમાન સેવા પુનઃ શરૂ કરાઈ હતી.

