• એરપોર્ટ પર મોબાઈલ ચાર્જ કરવાના રૂ. ૧૦ઃ અમદાવાદ એરપોર્ટ પર કમ્પ્યુટરાઇઝ મોબાઈલ ચાર્જર મશીન મૂકવામાં આવ્યું છે. જેમાં પ્રવાસી મોબાઈલ ચાર્જિંગ માટે મૂકી એક કલાક સુધી ગમે ત્યાં ફરી શકશે. બીજી બાજુ મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યા બાદ પ્રવાસીને બારકોડ નંબર મળશે. આ નંબર વગર પ્રવાસીને મોબાઈલ મળશે નહીં. વધુમાં મોબાઈલ ચાર્જિંગ માટે મશીનમાં મૂકવા માટે પ્રવાસીએ ૧૦ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આ મશીનમાં એક સાથે ૨૪ મોબાઈલ ચાર્જ કરી શકાશે. હાલ આ મશીન ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-૨ પર મૂકવામાં આવ્યું છે.
• ભાવનગર-સુરત વચ્ચે હવાઈસેવાનો પ્રારંભઃ ભાવનગરથી સુરત અને અમદાવાદ વચ્ચે ૧૬મી એપ્રિલથી હવાઈ સેવાનો પ્રારંભ થયો હતો. એર ઓડીશા દ્વારા અમદાવાદ-ભાવનગર-સુરત વિમાની સેવાની પ્રથમ ઉડાનમાં પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી જોડાયા હતા.
આ પ્રસંગે સાંસદ ડો. ભારતીબહેન શિયાળ જેમના પ્રયાસોથી આ વિમાની સેવા શરૂ કરાઈ હતી. તેમનો અભિવાદન સમારોહ પણ સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સ, રિસાયકલીંગ એસો. ભાવનગર ડાયમંડ એસો. વગેરે દ્વારા એરપોર્ટ ખાતે સવારે ૮.૩૦ કલાકે યોજાયો હતો.
• અમદાવાદમાં ટોળાએ ૨૫ વાહનો સળગાવ્યાઃ અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં આવેલી રાજપૂત યુવાસંઘ સંચાલિત નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા આઈએએસ - આઈપીએસ કેરિયર સ્ટડી સેન્ટર સંકુલમાં આવેલી હોસ્ટેલમાં ૧૬મી એપ્રિલે દારૂ પીને આવેલા કેટલાક માણસોએ સ્થાનિક રહીશો સાથે ગાળાગાળી, મારામારી કરીને સ્થાનિક લોકોનાં પાર્કિંગમાં પડેલા વાહનો સળગાવ્યા હતા. સ્થાનિકોના ટુ-વ્હીલર સળગાવવા સાથે નશાની હાલતમાં તેમણે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં લિફ્ટને પણ નુકસાન કર્યું હતું. આ ઘટનાની પોલીસમાં જાણ કરાતા ૨૫ જેટલાં વાહનો અને ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

