• તાપી, ભરુચ, છોટા ઉદેપુરમાં ૩.૭ની તીવ્રતાનો ભૂકંપઃ ભરુચ, તાપી, છોટાઉદેપુર, નસવાડી અને નર્મદા જિલ્લાની આદિવાસી પટ્ટી પર ૨૧મી એપ્રિલે સાંજે ૩.૭ની તીવ્રતાના ભૂકંપનો લોકોએ ૧૦ સેકન્ડ સુધી અનુભવ કર્યો હતો. બપોરે ૪ કલાક અને ૫૬ મિનિટે આવેલા ભૂકંપમાં જાન-માલના નુકસાનનાં કોઈ સમાચાર નથી. ભૂકંપનું એપી સેન્ટર ભરૂચ જિલ્લાના વાલીયાના ભેંસખેતર ગામ નજીક ૨.૯ કિમી ઊંડે નોંધાયું હતું. નિષ્ણાતોએ જણાવ્યું કે, વાલીયા પંથકની ફોલ્ટલાઈન ફરીથી સક્રિય થઈ હોવી જોઈએ. ભૂકંપના કારણે ઊંચી ઈમારતોમાં નોકરી કરતા લોકો કામકાજ પડતું મૂકીને ઈમારતની નીચે દોડી આવ્યા હતા.
• તોગડિયાના સંતો દ્વારા પારણાઃ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ૧૭મીથી રામમંદિર અને સાંસદમાં રામમંદિરનો કાયદો બને તે માટે કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં અનશન કરી રહ્યા હતા. બે દિવસના અનશન બાદ ૧૯મી એપ્રિલે સાધુ-સંતો દ્વારા મનામણા કર્યા બાદ તોગડિયાએ ૧ વાગ્યાની આસપાસ દૂધ અને પાણી પીને અનશન પૂર્ણ કર્યા હતા. અનશન પૂર્ણ કરતાની સાથે જ સરકાર વિરુદ્ધ બાંયો ચડાવીને ખેડૂતો, યુવાનો માટે રસ્તા પર આંદોલન કરવાની ચીમકી સાથે સરકારને એક મહિનામાં એક કરોડ રોજગારી આપવાની માગ કરી હતી. તોગડિયાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં હિન્દુઓ પર દમન થઇ રહ્યું છે. સાથે વેપારીઓ, યુવાનો અને મજૂરો પર પણ દમન થઇ રહ્યું છે. સૌથી વધુ દમન ભાજપના કાર્યકર્તાઓ પર પણ થઇ રહ્યા છે પરંતુ તેઓ બોલી શક્તા નથી.
• રાજ્યની ૩૬ નદીઓ રૂ. ૩૦૦ કરોડના ખર્ચે રિચાર્જ થશેઃ રાજ્ય સરકાર દ્વારા નદી-કોતરના ઉપરવાસમાં કૃત્રિમ પદ્ધતિથી ભૂગર્ભ જળ રિચાર્જ કરી અને બારેમાસ નદીના વહેણ વહેતા રાખવા ૩૧ જિલ્લાની ૩૬ નદી-કોતરને પુન:જીવિત કરવાનું નક્કી કરાયું છે. દરેક જિલ્લામાંથી ઓછામાં ઓછી એક નદી આવે તેવો પ્રયાસ કરાયો છે. આ માટે રૂ. ૩૦૦ કરોડના બજેટથી ૧ મેથી ૧૫ જૂન કામગીરી કરાશે. કાંઠા વિસ્તારમાં જળસંચય થાય તેટલા માટે ૫૦ લાખ વૃક્ષો રોપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નદીઓને પુન:જીવિત કરવા માટેનો નિર્ણય લેવાયો છે.

