• વાગડી પાસે નદીમાં ત્રણ યુવાનો ડૂબી ગયાઃ વડનગર તાલુકાની જૂની વાગડી ગામેથી પસાર થતી સાબરમતી નદીમાં રવિવારે નહાવા પડેલા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તાના ૧૧ યુવાન પૈકી ૬ યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. જેમાંથી ૩ને બચાવી લેવાયા હતા જ્યારે ત્રણ યુવાનો આયુષ કેતનભાઈ પટેલ, ભવ્ય પરેશભાઈ પટેલ અને મિહિર નિર્મલભાઈ પટેલનાં ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં. આયુષ ૧૨ કોમર્સમાં, ભવ્ય ૧૨ સાયન્સમાં અને મિહિર ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. બચી ગયેલા યુવાનોને નજીકની હોસ્પિટલે ખસેડાયા હતા.
• ‘દેવાંગ શાહનું સરકારના સહારે કૌભાંડ’: ખેડૂત ન હોય તેવા લોકોને ખેડૂત દર્શાવીને અબજો રૂપિયાનું કૌભાંડ ભાજપ સરકાર દ્વારા થયાનો આક્ષેપ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકત્તા શકિતસિંહ ગોહિલે ત્રીજી મેએ કર્યો હતો. ગોહિલે આ કાંડના દસ્તાવેજી પુરાવા પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે, અમદાવાદના નવરત્ન ઓર્ગેનાઇઝર એન્ડ ડેવલોપર્સ બિલ્ડર્સના મેનેજિંગ ડિરેક્ટર દેવાંગ શાહ દ્વારા ખોટું પેઢીનામું ઊભું કરીને ફતાજી ગગાજી પરમારના વારસદાર તરીકે અટક છુપાવીને ખેડૂત તરીકે દાખલ થયા હતા. આ વારસાઈ એન્ટ્રી મંજૂર થાય તે પહેલાં બાવળા, સાણંદની રૂ. બે હજાર કરોડની મિલકતો ખરીદીને જમીન કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ગોહિલે કર્યો હતો. આ મુદ્દે દેવાંગ શાહનો તેમની સીજી રોડ પરની ઓફિસ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમનો સંપર્ક થઇ શકયો ન હતો.
• મેટ્રોના બંને રૂટની ઓક્ટોબરમાં ટ્રાયલઃ પ્રથમથી જ વિલંબમાં મુકાયેલા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કાની ટ્રાયલ રન જાન્યુઆરી-૨૦૧૯માં શક્ય બને તેમ છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ આ પ્રોજેક્ટમાં રસ દાખવીને ત્રણ મહિના વહેલી એટલે કે ઓક્ટોબર-૨૦૧૮માં ટ્રાયલ રન શરૂ થાય તે માટેની કાર્યવાહી કરવા ગુજરાત સરકારને સૂચના આપી છે. આ સાથે એન્જિન અને કોચની ઝડપથી ડિલીવરી થાય તે માટે જાપાન અને દક્ષિણ કોરિયાને સરકાર દ્વારા રજૂઆત કરાશે.

