• નીતિન પટેલ કો ગુસ્સા ક્યોં આતા હૈ? ૧૬મી મેએ બે પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન જાહેરમાં ગુસ્સે થયા હતા. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન-૨૦૧૮ના ઇનામ વિતરણમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની બાજુમાં નીતિન પટેલ બેઠા હતા. અડધો કલાકની બેઠકમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે જરાય વાતો થઇ નહોતી. વિદ્યાર્થીઓને સંબોધન માટે રૂપાણીએ નીતિન પટેલને ત્રણેક વખત સમજાવ્યા, પરંતુ તેઓ સ્પીચ ન આપવા અડગ રહ્યા. બાદમાં એનાઉન્સરને અપાયેલી સ્ક્રિપ્ટ મુજબ નીતિન પટેલને સંબોધન માટે આમંત્રિત કરાયા ત્યારે નીતિન પટેલે જાહેરમાં જ ના પાડી કે, ‘મેં ના તો પાડી, ટાઈમ ઓછો છે. સાહેબ સ્પીચ આપશે.’ ત્યાર બાદ રૂપાણીએ તરત જ સ્પીચ આપવા ઊભા થઇને મામલો સંભાળી લીધો. એ પછી મીડિયા બ્રીફિંગ સમયે ઉપસ્થિત અરજદારો પર પણ તેઓ ગુસ્સે થયા. તેથી સચિવાલય અને સ્વર્ણિમ સંકુલોમાં એ મૂદ્દે ચર્ચા ચાલી રહી છે કે, નીતિન પટેલ કો ગુસ્સા ક્યોં આતા હૈ.
• અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓ વધ્યાઃ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં દેશમાં ઉડ્ડયન ક્ષેત્રે પ્રવાસીઓની સંખ્યામાં ગત નાણાંકીય વર્ષની સરખામણીમાં ૧૬.૫ ટકાનો વધારો નોંધાયો છે. તેની સામે અમદાવાદ એરપોર્ટ પર આ સમયગાળામાં ૨૪ ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાતના તમામ ૧૦ એરપોર્ટની સરખામણીમાં સૌથી વધુ ૨૫૦ ટકાનો વધારો સુરત એરપોર્ટ પર નોંધાયો છે.
• રવીન્દ્ર જાડેજાનાં પત્નીને પોલીસકર્મીએ માર્યાંઃ જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં કુટુંબ સાથે રહેતા ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા ૨૧મીએ સાંજે સંબંધીઓ સાથે જાતે કાર ડ્રાઈવ કરીને નીકળ્યા હતા. કાર પોલીસ હેડ ક્વાર્ટર સામેથી પસાર થતી હતી ત્યારે પોલીસકર્મી સંજયભાઈના બાઈક સાથે અથડાતાં બોલાચાલી થઈ હતી. તે સમયે પોલીસકર્મીએ ઉશ્કેરાઈને રિવાબાના વાળ પકડીને તેમની પર હુમલો કર્યો હતો. અન્ય એક વ્યક્તિ વચ્ચે પડતાં મામલો થાળે પડયો હતો. એ પછી રિવાબાએ સુપ્રીટેન્ડેન્ટની કચેરીએ ફરિયાદ નોંધાવતાં પોલીસકર્મીની ધરપકડ કરાઈ છે.

