• વીજબિલ ઘટાડવા મંદિરોમાં સોલાર પેનલઃ ગુજરાતમાં પ્રસિદ્ધ મંદિરો હવે સોલાર પેનલથી ઝળાહળા થશે. સોમનાથ, અંબાજી, દ્વારકા, બહુચરાજી, શામળાજીથી માંડીને રૂપાલ વગેરે ધાર્મિક સ્થળોએ સોલાર પેનલ લગાવવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જાણીતા મંદિરોમાં વાર્ષિક રૂ. ૭૦ હજારથી રૂ. ૨ લાખ સુધીનું વીજબિલ આવતું હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ માટે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી પાંચ કરોડના ખર્ચે સરકાર હસ્તકનાં ૨૦૦ જેટલાં મંદિરમાં આ સિસ્ટમ લગાવાશે. આ અંગેના વર્ક ઓર્ડર આપી દેવાયા છે. ૧ વર્ષમાં તમામ મંદિરોમાં સોલાર રૂફ ટોપ સિસ્ટમ અમલી થશે, તેવો દાવો સરકારી તંત્રે કર્યો છે. રૂપાલમાં ૩ મહિનામાં આ કાર્ય પૂર્ણ કરી દેવાશે. સોમનાથ મંદિરમાં રૂ. ૧.૪૦ કરોડના ખર્ચે ૩૦૦ કિલોવોટની સોલાર પેનલ લગાવાશે જ્યારે બીજા મંદિરોમાં ૨૦૦ કિલોવોટની પેનલ લાગશે. શિખર મંદિરને બાદ કરતાં સોલાર પેનલ મારફતે સૌરઊર્જા ઉત્પન્ન કરીને મંદિરના પ્રાંગણમાં આવેલી ઓફિસ, ભોજનશાળા, પાર્કિંગ તેમજ ધર્મશાળા વગેરેમાં તેનો ઉપયોગ કરાશે.
• પાટીદારો પર પોલીસદમનના ૧૫૬ વીડિયો ફૂટેજઃ પાટીદારો ઉપર થયેલા પલીસ દમનની તપાસ કરી રહેલા જસ્ટીસ કે. જે. પૂંજ કમિશન સમક્ષ વિવિધ સંગઠનો દ્વારા પુરાવાના ઢગલા થયા છે. ૨૫મી ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસે ગુજારેલા અત્યાચાર અને ત્યારબાદના ઘટનાક્રમમાં રાજ્યભરમાં પોલીસે કરેલા લાઠીચાર્જ, ફાયરિંગ અને મિલકતોને નુકસાન પહોંચાડવાના ૧૫૬ વીડિયો ફુટેજ સોમવારે રજૂ કરવામાં આવ્યા હતા.
• આઈએએસ ચક્રવર્તી અને મુર્મુને બઢતીઃ કેન્દ્ર સરકાર દ્વારા આઇએએસ અધિકારીઓની ૧૮મી મેએ કરાયેલી ખાસ નિમણૂકોમાં ગુજરાત કેડરના બે અધિકારીઓને પ્રમોશન સાથે મહત્ત્વના હોદ્દા અપાયા છે. ૧૯૮૫ની કેડરના આઇએએસ અધિકારી અતનુ ચક્રવર્તી હાલ ડિરેક્ટર જનરલ ઓફ હાઇડ્રોકાર્બનનો હોદ્દો સંભાળી રહ્યા છે. તેમને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સેક્રેટરી તરીકે બઢતી અપાય છે. જ્યારે ૧૯૮૫ની ગુજરાત કેડરના જ આઇએએસ જી. સી. મુર્મુને ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુમાં સ્પેશિયલ સેક્રેટરી તરીકે બઢતી અપાઈ છે. મુર્મુ રેવન્યુમાં જ એડિ. સેક્રેટરીનો હોદ્દો સંભાળી રહ્યા હતા.

