અમદાવાદને બેસ્ટ હેરિટેજ સિટીનો એવોર્ડઃ પ્રવાસન મંત્રાલયે અમદાવાદ મહાપાલિકાને દિલ્હીમાં નેશનલ ટુરિઝમ એવોર્ડર્સ અંતર્ગત બેસ્ટ હેરિટેજ સિટીનો એવોર્ડ એનાયત કર્યો છે. આ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ બેસ્ટ એરપોર્ટનો એવોર્ડ મળ્યો છે. ૨૦૧૬-૧૭માં યોજાયલી સ્પર્ધામાં રાજ્યએ મુખ્ય ત્રણ બાબતે એવોર્ડ મેળવ્યા છે જેમાં રાજ્યને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બનાવાના પ્રયત્નો બદલ - શ્રેષ્ઠ સિવિક મેનેજમેન્ટ, શ્રેષ્ટ હેરિટેજ સિટી અને શ્રેષ્ઠ એરપોર્ટના એવોર્ડ મળ્યા છે.
રાહુલ ગાંધીની ધાનાણી-ચાવડાને ધમકી કે ચીમકી?: આગામી લોકસભાને લઈને ૨૭મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની સ્ટિયરિંગ કમિટીના ૪૩ આગેવાનોને તેડાવ્યા હતા. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં રાહુલ ગાંધીએ પરેશ ધાનાણી અને અમિત ચાવડાને જાહેરમાં ચીમકી આપી હતી કે વિપક્ષ તરીકેની કામગીરી નબળી છે તેમાં સુધારો લાવો. બંને પરસ્પર સંકલન સાધો નહીં તો તમારી સામે મારે પગલાં લેવા પડશે. છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ ચાવડા અને ધાનાણી વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ દેખાઈ રહ્યો છે. આ અંગે રાહુલ સમક્ષ અનેકવાર રજૂઆતો કરાઈ હતી. પરિણામે રાહુલે ધાનાણી અને ચાવડાને જાહેરમાં જ ચેતવણી આપીને કામગીરી સુધારવાનું કહ્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, વ્યક્તિગત સંબંધ તેની જગ્યાએ, મારે પાર્ટી ચલાવવાની છે. વ્યક્તિગત સંબંધ સારા હોય તેનો મતલબ એ નથી કે કોઈ તેના આધારે પાર્ટીમાં મનમાની કરે. મારે આખી કોંગ્રેસ ચલાવવાની છે આ રીતે નહીં ચાલે.
એહમદ પટેલની જીતને પડકારતો કેસ નવેસરથીઃ રાજ્યસભાની ચૂંટણીમાં ગત વર્ષે કોંગ્રેસના ઉમેદવાર એહમદ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. જોકે આ જીત સામ કોંગ્રેસના જ બળવાખોર અને ભાજપના ઉમેદવાર બનેલા બળવંતસિંહ રાજપૂતે હાઈ કોર્ટમાં રિટ પિટિશન કરી પોતાને જીતેલા ઉમેદવાર જાહેર કરવા દાદ માગી હતી. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જિસ્ટસની ખંડપીઠે આ કેસ નવેસરથી હાથ ધરવા માટે ગુજરાત હાઇ કોર્ટને નિર્દેશ કર્યો છે. બળવાખોર બલવંતસિંહે એ મતલબનો મુદ્દો ઉઠાવ્યો હતો કે, ઈલેકશન કમિશને કોંગ્રેસના જ બે બળવાખોરના મત રદ્દ ના કરાય તો પોતે જીતેલા ઉમેદવાર જાહેર થાય છે.
ગયા વર્ષના ૭૫ નવરાત્રી આયોજકોમાંથી એકેયે મંજૂરી માગી નથીઃ ગયા વર્ષે અમદાવાદના કલબ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ મળીને ૭૫ જગ્યાએ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ચાલુ વર્ષે પાર્કિંગના મુદ્દે પોલીસનું કડક વલણ હોવાથી આજ દિન સુધી એક પણ આયોજકે રાસ ગરબાની મંજૂરી લીધી નથી. જોકે આયોજકો નવરાત્રીના ૨-૩ દિવસ પહેલાં જ મંજૂરી માટે દોડધામ કરતા હોવાથી છેલ્લા દિવસોમાં મંજૂરીનો આંકડો વધી જાય છે. પરંતુ નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવાથી ચાલુ વર્ષે બહુ જ ઓછી જગ્યાએ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકોનું કહેવું છે. જેના કારણે ચાલુ વર્ષે શેરી ગરબા અને સોસાયટીઓમાં રાસ ગરબાની રમઝટ જોવા મળશે તેવું અનુમાન છે.
અમદાવાદીઓ સાથે છેતરપિંડી બદલ દિલ્હીનાં ૩૫ની ધરપકડઃ ગુજરાત સહિત ૨૦ રાજ્યના લોકોને નોકરી અને લોન આપવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરનાર દિલ્હી અને નોઇડાના ‘વિઝન ઇન્ડિયા’ તથા ‘સ્માર્ટ કરિયર સોલ્યુશન’ નામના કોલ સેન્ટરમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ૨૨ યુવતીઓ સહિત ૩૫ લોકોની ૨ ગુનામાં ધરપકડ કરી છે. પોલીસે અમદાવાદના ૨ લોકો સાથે ઠગાઈ કરનાર તમામ આરોપીઓને અરજન્ટ કોર્ટમાં રજૂ કરી ૩ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.