• લખપત પાસે ભૂકંપનો આંચકો: કચ્છમાં વર્ષ ૨૦૦૧માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ નાના-મોટા આંચકા તો આવતા જ રહે છે. આઠમીએ લખપતથી થોડે દૂર આંતરરાષ્ટ્રીય સીમાએ ૩.૫નો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત પૂર્વ કચ્છમાં પણ હળવા કંપનો નોંધાયા હતા.
• ક્રીકમાંથી પાકિસ્તાની બોટ સાથે બે ઝડપાયાઃ બોર્ડર સિક્યુરિટી ફોર્સની પેટ્રોલિંગ પાર્ટીએ બાતમીના અને સર્વેલન્સના આધારે છઠ્ઠીએ કચ્છના ક્રીકમાંથી એક બોટ સાથે બે ઘૂસણખોરને પકડી પાડ્યા હતા અને તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
• અલ્ટ્રાટેક કંપનીની માઇન્સમાં સિંહનું ભેદી મોતઃ જાફરાબાદ નજીક વાંઢમાં આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની માઇન્સમાં દોઢ વર્ષના સિંહનું મોત થયાનું નવમીએ ખૂલતાં અનેક તર્કવિર્તક થઇ રહ્યાં છે. આ અંગે રાજુલા વન વિભાગના આર.એફ.ઓ. રાજલબહેન પાઠકે જણાવ્યું કે, આ બાબતની માહિતી સી.સી.એફ. (કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) દ્વારા જ મળે છે. તેઓ કશું કહી શકે નહીં. તેઓ પાસે સીસીએફનો
ફોન નંબર ન હોવાનું પણ જણાવતાં આર.એફ.ઓ. અને સી.સી.એફ.ના તાલમેલ અંગે પ્રશ્નો જાગ્યા છે.
• સરકાર પાણી પહોંચાડે તે પહેલાં તંગી: પોરબંદર, કચ્છમાં નર્મદાના નીર પહોંચાડવા ૩૧ માર્ચ સુધીમાં પાઇપલાઇન નાંખવાનું સરકારનું આયોજન છે. જેના ટેન્ડર પણ બહાર પડ્યાં છે, પણ પોરબંદર, કચ્છને સ્થાનિક સોર્સમાંથી પાણી અપાય છે તે મોડામાં મોડું માર્ચના બીજા સપ્તાહમાં પૂરું થઈ જાય તેમ હોવાથી નર્મદાનાં નીર સરકાર પહોંચાડે તે પહેલાં જ આ પોરબંદર જિલ્લા અને કચ્છ આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીની તંગીની સ્થિતિ સર્જાઇ હોવાનું જણાય છે.

