• અંબાજીમાં વરસાદ થતાં ખેડૂતો નિરાશામાંઃ ઉત્તર ગુજરાતમાં સોમવારે વાતાવરણમાં પલટો આવતાં કાળા ડિબાંગ વાદળો ચઢી આવ્યા હતા. બનાસકાંઠાના અંબાજી અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું થયું હતું. બીજી તરફ અન્ય વિસ્તારોમાં માવટાની આસંકાને લઈ ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જીરુ, વરિયાળી, દીવેલા, ચણા, ઈસબગુલ જેવા પાકોને નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શિયાળાની ઋતુ પૂર્ણ થવાના આરે છે. ત્યારે ઠંડીમાં પણ ધીમી ગતિએ ઘટાડો શરૂ થવાની તૈયારી છે. ખેતરમાં પાક તૈયાર હોય ત્યારે જ જો માવઠું થાય તો પછી ધરતીપુત્રોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની શક્યતા છે.
• થરા પાલિકામાં ભાજપની સત્તા: થરા નગરપાલિકાની અઢી વર્ષ અગાઉ ચૂંટણીમાં ૨૪ સભ્યોમાંથી બંને પક્ષના ૧૨-૧૨ સભ્યો ચૂંટાતા ચિઠ્ઠી ઉછળી હતી. જેમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી. તાજેતરમાં ભાજપના એક સભ્ય મૂળરાજસિંહ વાઘેલાનું અવસાન થતાં અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં ભાજપ પાસે ૧૧ સભ્ય જ હતા. ૧૪મીએ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા થતાં ભાજપમાંથી પ્રમુખ તરીકે ભારતીબહેન ઠક્કરે ઉપપ્રમુખ તરીકે વસંતજી જેસુંગજી ઘાંઘોસની દરખાસ્ત મૂકી અને ભાજપના ૧૧ અને કોંગ્રેસના ૨ સભ્યોએ સમર્થન આપતાં ૧૦ વિરુદ્ધ ૧૩થી બહુમતીના ધોરણે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ કરતા ભાજપને વધુ મતો મળતાં પ્રમુખ તરીકે ભારતીબહેન ઠક્કર અને ઉપપ્રમુખ તરીકે વસંતજી ઘાંઘોસ વિજેતા જાહેર થયા હતા.
• ના. મામલતદારને લાંચ કેસમાં પાંચ વર્ષની કેદ: શિહોરી મામલતદાર કચેરીમાં ના. મામલતદાર તરીકે ફરજ બજાવતા ઉદેસિંહ રામસુંગજી સોલંકી (વડગામ)ને ૨૧મી ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ એસીબીની ટીમે ફરિયાદના આધારે છટકું ગોઠવી રૂ. ૩૫૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો. આ કેસ ડીસાની ત્રીજી એડિશનલ સેશન્સ સ્પેશ્યલ કોર્ટ ડિસામાં ચાલી જતાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી પાંચ વર્ષની સાદી કેદની સજા અને રૂ. ૨૫,૦૦૦નો દંડ ભરવા હુકમ કર્યો હતો. જો ગુનેગાર દંડ ન ભરે તો છ માસની વધુ સજાનો હુકમ કર્યો હતો.
• ‘બાળકી પર દુષ્કર્મીને કડક સજા થશે’: સાબરકાંઠા જિલ્લાના ઢુંઢરમાં ઓક્ટોબર, ૨૦૧૮માં ૧૪ માસની બાળકી ઉપર થયેલા દુષ્કર્મ પ્રકરણમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં કાયદો અને વ્યવસ્થા વિભાગને કડક વલણ અપનાવવાનું કહ્યું છે. આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ૧૪મીએ કહ્યું કે, આરોપીને કડકમાં કડકમાં સજા થાય તે માટે રાજ્ય સરકારે સખત પગલાં પણ લીધા છે. આ કેસમાં પોસ્કો જેવા ગંભીર કાયદા હેઠળ ફરિયાદ નોંધાયાના ૨૪ કલાકમાં જ આરોપીની ધરપકડ કરાઈ હતી અને કેસની તપાસ ઝડપથી પૂર્ણ કરાઈ હતી. સાબરકાંઠા ફાસ્ટટ્રેક કોર્ટમાં આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક પણ તાત્કાલિક ધોરણે કરાઈ હતી. આ ઉપરાંત ઘટનાના તમામ સાક્ષીઓને કોર્ટે ત્વરિત તપાસી લીધાં હતાં. હાલમાં આ કેસની કાર્યવાહી પૂર્ણ થવાના આરે છે ત્યારે દુષ્કર્મીને ઝડપી અને કડક સજા થાય તે માટે રાજ્ય સરકારે તાકીદ કરી છે. પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, ભોગ બનનારના પરિવારની આર્થિક સહાય માટે લીગલ એઇડ દ્વારા રૂ. ૪.૫૦ લાખની સહાય પણ સત્વરે ચૂકવી દેવાઈ છે.

