સંક્ષિપ્ત સમાચાર (ગુજરાત)

Wednesday 27th March 2019 07:16 EDT
 

• અમદાવાદ-લંડન ફ્લાઇટના સમયમાં ફેરફાર: અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટના સમયમાં ૩૧ માર્ચથી સમર શિડ્યુલ લાગુ થવાની સાથે ફેરફાર કરાયો છે. નવા સમયપત્રક મુજબ એઆઇ-૧૭૧ અમદાવાદ-લંડન અમદાવાદથી દર સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે સવારે ૭.૦૫ વાગ્યાના બદલે ૪.૫૫ વાગ્યે રવાના થશે. એ જ રીતે રવિવારે અમદાવાદથી લંડન જતી એઆઇ-૧૭૫ સવારે ૭.૧૦ વાગ્યાના બદલે હવે ૪.૪૦ વાગે રવાના થશે.
• પદ્મશ્રી હકુભાઈ શાહનું અવસાન: જાપાન બાદ વિશ્વનું બીજું પતંગ સંગ્રહાલય અમદાવાદમાં એનઆઇડીની સામે સંસ્કાર કેન્દ્રમાં આવેલું છે. આ મ્યુઝિયમના સ્થાપક અને પદ્મશ્રી હકુભાઈ શાહનું ૨૨મીએ અવસાન થયું હતું. દક્ષિણ ગુજરાતના અને ગાંધીવાદી હકુભાઈ ચિત્રકલા અને ડિઝાઈનથી સમાજને શું સગવડ, સુવિધા અને મૂલ્યો આપી શકાય તે પરિપ્રેક્ષ્યમાં વધુ વિચારતા હતા.
• રાજપથ મેમ્બરશિપ કૌભાંડીના રિમાન્ડઃ રાજપથના ૪૦ ડિએક્ટિવ મેમ્બરની મેમ્બરશિપ બારોબાર વેચી દેવાના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિતેશ દેસાઈ બેંકોક, પતાયા ફરીને ૩૫ દિવસ બાદ ૨૧મીએ વસ્ત્રાપુર પોલીસ સમક્ષ હાજર થયો હતો.
પોલીસે હિતેશને કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડ માગ્યા હતા, પણ કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં એ પછી હિતેશે પોલીસને પૂછપરછમાં જણાવ્યું કે તે નિર્દોષ છે અને તેને આ કૌભાંડમાં હાથો બનાવાયો છે. જોકે પોલીસને શંકા છે કે આ કૌભાંડ હિતેશે એકલા હાથે જ આચર્યું છે.
• અકસ્માતમાં ડભોઈનાં દંપતીનું મૃત્યુઃ વડોદરાના ડભોઈ ગામમાં રહેતા અને કોર્ટમાં નોકરી કરતા હીરેનભાઈ જોષી, તેમનાં પત્ની ગાયત્રીબહેન અને પુત્ર આદિત્ય જનોઈ પ્રસંગે દ્વારકા આવ્યો હતો. પ્રસંગમાં હાજરી આપીને તેઓ ડભોઈ જવા નીકળ્યા ત્યારે હર્ષદના ગાંધવી હાઈવે પર દ્વારકા-સોમનાથ રૂટની એસટી બસે તેમની કારને અડફેટે લેતાં હીરેનભાઈ અને ગાયત્રીબહેનનું મૃત્યુ નીપજ્યું. પુત્ર આદિત્યને ઇજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter