સંક્ષિપ્ત સમાચાર (ગુજરાત)

Wednesday 19th June 2019 07:31 EDT
 

• ૧૧ વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધીઃ ભાવનગરનાં જેસર જંગલ પાસેના ઇટિયામાં કાચા મકાનમાં શ્રમિક પરિવાર નિંદ્રામાં હતો ત્યારે પરિવાર સાથે ઢાળિયામાં સૂતેલી શોભના અશોકભાઈ પરમાર (ઉં ૧૧)ને દીપડો અડધો કિમી દૂર ખેંચી ગયો ને પછી તેને ફાડી ખાધી હતી. બાળકીની ચીસો સાંભળીને પરિવારજનો જાગી ગયા અને દીપડાની પાછળ દોડયા, પણ ગોરસના ગીચ જંગલમાં દીપડો અદૃશ્ય થઇ ગયો એ પછી જંગલમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો.
• કૂંડીમાં પડી જતાં ભાઈ-બહેનના મૃત્યુ: વઢવાણમાં ૮૦ ફૂટ રોડ પર આવેલા રણજીત નગરમાં રહેતા ભુપતભાઇ ગોહિલનો પુત્ર વિજયભાઇ અને પુત્રવધૂ મૃત્યુ પામ્યા હોવાથી તેમનો પાંચ વર્ષનો પૌત્ર નીતિન અને સાત વર્ષની પૌત્રી જાગૃતિ દાદા-દાદી સાથે જ રહેતા હતા. આ વિસ્તારમાં ભુપતભાઇના ઘર નજીક એક મકાનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે નીતિન કૂંડીમાં પડી જતાં જાગૃતિ પણ તેને બચાવવા જતાં કૂંડીમાં પડતાં બંને ભાઈ-બહેનનાં મૃત્યુ થયા હતા.
• પૂર્વ ઓઈલ મિલર જાલીનોટ છાપતો ઝડપાયો: ગોંડલના ભુણાવા ગામના વતની અને હાલમાં રાજકોટના દોઢસો ફૂટ રોડ પરના વિસ્તારમાં રહેતા અરવિંદ ધરી અકબરી ભાગીદારીની મીલમાં નુકશાની જતા અને આર્થિક સંકડામણ દૂર કરવા માટેથી ઘરમાં જાલીનોટ બનાવવાની મિની ફેકટરી શરૂ કરતા એસઓજીના સ્ટાફે ઝડપી લીધો હતો અને રૂ. ૭પ હજારની જાલીનોટ તથા કલર પ્રિન્ટર, કોરા કાગળ સહિતનું સાહિત્ય કબજે કર્યું હતું અને તા. ૧૮મી સુધી રિમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter