સંક્ષિપ્ત સમાચાર (ગુજરાત)

Wednesday 10th May 2017 08:33 EDT
 

• પોલીસની ખાલી જગ્યા ભરોઃ ગુજરાતમાં પોલીસના ૧૧ હજાર ખાલી પદોની ભરતી માટે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ફરી ગુજરાત સરકાર પાસે જવાબ માગ્યો હતો. ગુજરાત સરકારે આ અંગે કહ્યું હતું કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેથી રાજ્ય સરકારને નવી ભરતીઓ માટે ઓછામાં ઓછો વર્ષ ૨૦૧૮ સુધીનો સમય ફાળવવામાં આવે. સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારની આ દરખાસ્તને જોકે મંજૂરી આપવામાં આવી હતી અને ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે.
• પાક. સાથે વાતચીત ચાલુ રાખવાથી જ ઉકેલ મળશેઃ કાશ્મીરમાં ભારતીય સીમામાં ઘૂસીને પાકિસ્તાની સૈન્યે ભારતીય જવાનોના માથા વાઢી લેવાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં આક્રોશની લાગણી છે ત્યારે ભાજપ અને પીડીપીના ગઠબંધનથી બનેલી જમ્મુ કાશ્મીર સરકારના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ઝૂલ્ફીકાર અલી ચૌધરીએ પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ રાખવાની હિમાયત કરી છે. ચૌધરીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, બાજપાઇએ જે પ્રકારે વાતચીતનો દોર શરૂ કર્યો હતો તે પદ્ધતિથી કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવી શકે છે. જો કે, પાકિસ્તાનના કૃત્યને તેમણે નિંદનીય ગણાવ્યું હતું. ચૌધરીએ ત્રીજીએ મુખ્ય પ્રધાનવિજય રૂપાણીની પણ મુલાકાત લીધી હતી.
• ગુજરાતને રૂ. ૧૦૩૮ કરોડ ડ્યૂટી ચૂકવવા એસ્સારને આદેશઃ હાઈ કોર્ટના આદેશને માન્ય રાખીને એસ્સાર સ્ટીલ અને એસ્સાર પાવરની પીટિશનને સુપ્રીમ કોર્ટે બીજી મેએ ફગાવીને કંપનીને આદેશ કર્યો કે ગુજરાત સરકારને ઈલેક્ટ્રિસીટી ડ્યૂટી પેટે રૂ. ૧૦૩૮.૨૭ કરોડ ચૂકવે. એસ્સાર પાવરે તેના હજીરાના પાવર પ્લાન્ટ પાસેથી લેવામાં આવતી ઈલેક્ટ્રિસિટી ડ્યૂટીની માફી આપવાની માગણી કરી હતી. તેની આ માગણી સ્વીકારવામાં આવી નહોતી કારણ કે એસ્સાર પાવર દ્વારા તે વીજળી અન્ય વપરાશકારોને પણ વેચવામાં આવતી હતી.
• ડાકોર મંદિરના ચેરમેનપદેથી ભરત જોષીનું રાજીનામુંઃ ડાકોર રણછોડરાય મંદિરના ટેમ્પલ કમિટી બોર્ડમાં વહીવટી કાર્યના અંગત વિવાદના કારણે ચેરમેનપદેથી ભરત જોષીએ રાજીનામું આપી દીધું છે. કયા કારણોસર તેમણે રાજીનામું આપ્યું કે પછી તેમનું રાજીનામું લઇ લેવાયું તેની ચર્ચાએ પણ જોર પક્ડયું છે. રાજીનામા અંગે કોઇ પણ ટ્રસ્ટી કે મંદિરના સેવકો બોલવા તૈયાર નથી. ડાકોર રણછોડરાય મંદિરમાં વહીવટી કમિટીમાં કુલ પાંચ ટ્રસ્ટીઓ છે. બોર્ડની સ્કીમ પ્રમાણે ભરતભાઇ જોષી (વકીલ) છેલ્લા ચાર વર્ષથી ચેરમેન હતા. જોકે ટેમ્પલ કમિટી બોર્ડમાં ગત ફાગણી પૂનમ બાદ મળેલી કમિટી બોર્ડની બેઠકમાં વહીવટી કાર્ય બાબતે ભારે વિવાદ થયો હતો અને ત્યારબાદ ભરતભાઇ જોષીએ ચેરમેનપદેથી રાજીનામું આપી દીધું હતું. ચેરમેનપદ તરીકે કાયમી ટ્રસ્ટી અજયભાઇ ત્રયંમ્બેકરની નિમણૂક કરવામાં આવી છે. ભરતભાઇના અંગત ગણાતાં મંદિરના મેનેજર રવિન્દ્રભાઇ ઉપાધ્યાયને એકાએક ફરજિયાત રજા પર ઉતારી દેવાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter