સ્વાસ્થ્ય બાબતે ગુજરાત ચોથું
ગાંધીનગરઃ મહાત્મા મંદિરમાં તાજેતરમાં યોજાયેલી નેશનલ હેલ્થ સમિટના ઉદઘાટન પ્રસંગે મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આ સમિટમાં દેશના તમામ રાજ્યોની આરોગ્યની શ્રેષ્ઠ પ્રથાઓનો પરસ્પર વિનિમય થશે. સૌથી વધુ વિકાસ દર સાથે ગુજરાત દેશનું વિકાસ એન્જિન છે ત્યારે નીતિ પંચના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હેઠળ કરાયેલા હેલ્થ રેન્કિંગમાં ગુજરાત દેશના મોટા રાજ્યોમાં ચોથા ક્રમે છે. ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે કે જેણે ‘મા યોજના’ દ્વારા ગરીબી રેખાની નીચેના પરિવારો અને નિમ્ન મધ્યમ વર્ગે ઉચ્ચકક્ષાની આરોગ્ય સેવાઓ પૂરી પાડી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના ૮ ટકા બજેટ વાપરવાના સૂચન સામે ગુજરાત કુલ બજેટના ૫.૫૦ ટકા બજેટ એટલે કે ૨.૫૦ ટકા બજેટ ઓછું વાપરે છે તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.
૮૦ ટકા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ‘ઢ’
ગાંધીનગરઃ રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ મૂલ્યાંકન કરાતા ચોંકાવનારી વિગત બહાર આવી છે. વિદ્યાર્થીઓને માત્ર બાળમંદિરમાં જ કક્કો-બારાખડી શીખવવામાં આવે છે, પણ ધો. ૩થી ૮ના ૮૦ ટકા વિદ્યાર્થીઓને પૂરું ગુજરાતી વાંચતાં કે લખતાં આવડતું નથી. પરિણામે ગુજરાતના જ બાળકો ગુજરાતી સારું વાંચી કે લખી શકતા ન હોવાનું શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલી પરીક્ષામાં બહાર આવ્યું છે. આ અહેવાલ બાદ રાજ્ય સરકારે ૧૪ નવેમ્બરથી ગુજરાતી સહિતની ભાષા માટેનો વાંચન કાર્યક્રમ સતત ચાલુ રહેશે તેવું જાહેર કર્યું હતું. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છ માસિક અને વાર્ષિક એમ બે પરીક્ષા લેવાઈ હતી. આ બંને પરીક્ષાના પરિણામનું મૂલ્યાંકન શિક્ષણ વિભાગ દ્વારા કરાયું હતું.
વિધાનસભાનું ટૂંકુ ચોમાસું સત્ર
ગાંધીનગરઃ વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી ૯થી ૧૧ ડિસેમ્બરે બોલાવવાનું નક્કી થયું છે. ૩ દિવસના આ સત્રમાં પ્રથમ દિવસે શોકાંજલિ અપાશે. જ્યારે બે દિવસ વિવિધ વિધયેકો રજૂ થશે. આ ઉપરાંત ગાંધીજીના ૧૬૦ જન્મજયંતી વર્ષની ઊજવણીનો અને બંધારણીય દિવસ અંગેનો ખાસ પ્રસ્તાવ રજૂ કરાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પેટાચૂંટણીને કારણે સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બોલાવવામાં આવતું સત્ર આ વખતે મોડું થયું છે.

