સંક્ષિપ્ત સમાચાર (ગુજરાત)

Wednesday 12th February 2020 06:12 EST
 

• DPSના સીઈઓ મંજુલા શ્રોફની પૂછપરછઃ હાથીજણમાં ડીપીએસ કેમ્પસમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને બળજબરી ગોંધી રાખવાના અને બાળકીઓ-યુવતીઓને ગુમ કરી દેવાના કેસમાં પોલીસે ડીપીએસ સ્કૂલના સીઈઓ મંજુલા શ્રોફની ૧૦મીએ ૩ કલાક પૂછપરછ કરી હતી. આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા અંગે મંજુલા શ્રોફે કહ્યું કે, આ સમયગાળામાં હું અમેરિકામાં હતી. મંજુલા શ્રોફ નિત્યાનંદનાં સંપર્કમાં હતી કે કેમ તે સંદર્ભે પોલીસ હવે મોબાઈલના સીડીઆરને આધારે તપાસ ચલાવી રહી છે.
• જીરાની આડમાં ૧૮૮ કિલો હેરોઇન હેરફેરઃ ઓગસ્ટ ૨૦૧૯માં જખૌના દરિયામાંથી ૫૦૦ કિલો હેરોઇન આવ્યું અને એટીએસએ ૩૦૦ કિલો પકડી પાડયું હતું. એ પછી પંજાબના ભંટિંડાથી ૧૮૮ કિલો જથ્થો પકડાયો. આ કેસમાં બિલ્ડીંગ મટીરીયલના વેપારી રઝાક સુમરા, ગાંધીધામના માટીકામના કોન્ટ્રાકટર કરીમ સિરાજ અને ગેરેજ ચલાવતા સુનિલ બારમાસેને સોમવારે એટીએસે પકડી પાડ્યા હતા. ત્રણેયે કબૂલ્યું કે, ૫૦૦ કિલોમાંથી ૩૦૦ કિલો હેરોઈન પકડાયું પછી ૨૦૦ કિલો જમીનમાં દાટી દીધું હતું. ૪ મહિના પછી તે જથ્થો કાઢીને ઊંઝાથી જીરાના પેકેટમાં ભરી પંજાબ અને કાશ્મીર મોકલાયો હતો. આ કેસમાં સંડોવાયેલો સિમરનજીત સિંગ ઇટાલીમાં પકડાયો છે અને તેની કસ્ટડી મેળવવા પણ એટીએસએ તૈયારી હાથ ધરી છે.
• ૧૯૯૩ મુંબઇ બ્લાસ્ટનો આરોપી મુનાફ હાલારી ઝડપાયોઃ ૧૯૯૩ મુંબઇ બ્લાસ્ટના આરોપી મુનાફ હાલારીને ગુજરાત એટીએસે સોમવારે મુંબઇ એરપોર્ટ પરથી ઝડપ્યો છે. મુંબઈ બ્લાસ્ટ ઉપરાંત ગુજરાતમાં આંતકી પ્રવૃત્તિ માટે તે ડ્રગ્સની આડમાં આરડીએક્સ ઘૂસાડવાની પેરવીમાં હતો. દાઉદના સાગરિત ટાઇગર મેમણની મદદથી મુનાફ ૨૭ વર્ષથી પાકિસ્તાનમાં હતો. એટીએસે જખૌ બંદર પાસેથી છઠ્ઠી જાન્યુઆરીએ રૂ. ૧૭૫ કરોડના ૩૫ કિલો હેરોઇન સાથે પાંચ પાકિસ્તાનીની ધરપકડ કરી હતી અને પૂછપરછમાં કરાચીના હાજી હસન અને મુનાફ હાલારીનું નામ બહાર આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter