સંક્ષિપ્ત સમાચાર (ગુજરાત)

Tuesday 28th April 2020 15:05 EDT
 

• ૨૩૪૧ પરપ્રાંતીય શ્રમિકો રવાનાઃ લોકડાઉનને પરિણામે ગુજરાતમાં સલવાઈ ગયેલા મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ૪૫૦૦ જેટલા શ્રમિકોને મધ્ય પ્રદેશ તથા રાજસ્થાન સરકારની સૂચનાને આધીન રહીને ૨૭મી એપ્રિલે ૧૫૮ જેટલી બસમાં બેસાડીને તેમના વતન તરફ રવાના કરવામાં આવ્યા છે. રાજસ્થાનના જે વિસ્તારોમાં આ બસ જવાની છે તે વિસ્તારના કલેક્ટરોના સંપર્ક કરીને તેમને રવાના કરવામાં આવી રહ્યા છે. ડુંગરપુરના કલેક્ટર રાજસ્થાનના શ્રમિકોનો કબજો લેશે. ગુજરાતમાંથી રવાના કરવામાં આવેલા ૨૩૧૪ શ્રમિકોનું ગુજરાતમાં સ્ક્રિનિંગ કરી લેવામાં આવ્યું હતું. તેમની વચ્ચે સલામત અંતર જળવાય તેના પગલાં લેવામાં આવ્યા હતા. તેમને માટે પીવાના પાણીની અને ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા કરાઈ હતી.
• પહેલીવાર વોટ્સએપથી નોટિસ પાઠવાઈઃ મોરબી દુષ્કર્મ કેસના આરોપી કોન્ટ્રાક્ટરની જામીન અરજીમાં ગુજરાત હાઇ કોર્ટે તેના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર પક્ષકારને મંજૂરી આપી છે કે તે સામેની પાર્ટીને વોટ્સએપ પર નોટિસ મોકલાવી શકશે. જોકે, હાઇ કોર્ટે શરત રાખી છે કે વોટ્સઅપ પર નોટિસ મોકલતાં પહેલાં પીડિતાની મંજૂરી મેળવવાની રહેશે. સામાન્ય રીતે આ પ્રકારના કેસમાં સામેની પાર્ટીને નોટિસની નકલ પોલીસ દ્વારા મોકલવામાં આવતી હોય છે. જોકે, કોરોના વાઇરસના લીધે સર્જાયેલી સ્થિતિના કારણે આ શક્ય નથી.
• ઘરમાં લાગેલી આગથી ત્રણનાં મૃત્યુઃ છોટાઉદેપુર તાલુકાના વીરપુર ગામમાં ૨૨મી એપ્રિલની રાત્રે ૧૧ કલાકે દેવજીભાઈ રાઠવાના ઘરમાં એકાએક આગ લાગતાં ઘરનો તમામ સામાન તથા આશાબહેન દેવજીભાઈ રાઠવા (ઉં. ૩૫) પુત્ર સુમિત રાઠવા (ઉં. ૬) અને પુત્રી સોનલ રાઠવા (ઉં. ૪) આગમાં લપેટાઈ જતાં મૃત્યુ પામ્યાં હતાં. છોટાઉદેપુરથી ફાયરબ્રિગેડ મંગાવ્યા હતા પરંતુ લોકડાઉનને લીધે ફાયરબ્રિગેડ પહોંચવામાં વિલંબ થયો હતો. આગ ગામ લોકોએ બુઝાવી નાંખી હતી, પરંતુ ઘરની અંદર માતા, પુત્રી અને પુત્રને બચાવી શક્યા નહોતા.
• ગોધરાના ૧૭ SRP જવાન પોઝિટિવઃ ગોધરાના લૂણાવાડા રોડ પર રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૫ આવેલું છે. જેમાંથી ૧૦૦ જવાનો છેલ્લા ૩ માસથી કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવા માટે અમદાવાદમાં ફરજ બજાવતાં હતા. ગોધરાની રાજ્ય અનામત પોલીસદળ જૂથ ગોધરાની એ કંપનીના જવાનો અમદાવાદના જૂપિટર મિલ કમ્પઉન્ડ
તથા દૂધેશ્વર વિસ્તારમાં ફરજ બજાવતાં હતા. હાલમાં પોલીસ જવાનોનાં ટેસ્ટ થતાં જણાવાયું કે ૧૭ એસઆરપી જવાનોનો ટેસ્ટ પોઝિટિવ
આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter