સંક્ષિપ્ત સમાચાર (ગુજરાત)

Monday 10th August 2020 05:48 EDT
 

સત્ય સાઇ હોસ્પિટલે નિઃશુલ્ક ૨૦ હજાર હાર્ટ ઓપરેશન કર્યા

અમદાવાદઃ રાજકોટમાં આવેલી ‘સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ’ સતત ૨૦ વર્ષથી ‘દિલ વિધાઉટ બિલ’ના નામે સેવાનું કાર્ય કરી રહી છે. ૪થી ઓગસ્ટે આ હોસ્પિટલે ૨૦ વર્ષ પૂર્ણ કર્યાં. હ્રદયરોગના ગરીબ દર્દીઓને વિનામૂલ્યે નવજીવન આપતી આ હોસ્પિટલે ૨૦ વર્ષમાં ૨૦ હજાર નિઃશુલ્ક હાર્ટ ઓપરેશન કર્યાં છે. આ હોસ્પિટલની એક શાખા સ્વરૂપે સરખેજના કાસિન્દ્રા ગામ પાસે ૨૦૧૮માં શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ શરૂ કરાઈ છે. બાળકોના હૃદયરોગની નિઃશુલ્ક સારવાર કરતી આ હોસ્પિટલે સ્થાપનાના દોઢ વર્ષમાં જ ૧૫૦૦ જેટલાં બાળદર્દીઓને નવજીવન આપ્યાં છે.

પ્રેમલગ્નની જિદે ચડેલી પુત્રીની હત્યા

રાજકોટ: ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી ઇલા (ઉં ૨૦)ને છઠ્ઠીએ તેના જ પિતા ગોપાલભાઇ નકુમે કપડાં ધોવાના ધોકાથી ત્રણ ઘા ફટકારતાં ઈલા લોહી લુહાણ થઇ હતી. માર મારીને ઇલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી, પણ ટૂંકી સારવારમાં ઈલાનું મૃત્યુ થયું હતું. પુત્રી પર હુમલા પછી પિતા સામેથી પોલીસમાં હાજર થયા હતા. પિતાએ પોલીસને જણાવ્યું કે, તેઓ પરિવાર સાથે અગાઉ શિવપરામાં રહેતા હતા ત્યાં પાડોશમાં રહેતા મુસ્લિમ યુવાન ફરદીન (ઉં ૧૯) સાથે ઈલાને પ્રેમસંબંધ બંધાયો હતો. ઇલાને અનેક વખત સમજાવવા છતાં તે સંબંધ છોડવા તૈયાર નહોતી. દોઢેક મહિના પહેલાં પુત્રીની ચિંતામાં તેની માતા સવિતાનું હાર્ટએટેકથી મોત થયું હતું. છઠ્ઠીએ સવારે ઈલાએ ફરદીન સાથે લગ્નની હઠ પકડી હતી જેથી પિતાએ તેને માર માર્યો હતો.

કચ્છ - જામનગરમાં ભૂકંપના આંચકા

ભુજ-જામનગરઃ કચ્છમાં ૭મી ઓગસ્ટની મધરાતથી ૮મી ઓગસ્ટની સાંજ સુધીમાં ભૂકંપના ૭ આંચકા અનુભવાયા હતા. જેમાં ૮મીએ, શનિવારે મોડી રાત્રે આવેલો ૩.૩નો આચંકો પણ સામેલ હતો. એ પછી ૯મી ઓગસ્ટે, રવિવારે મોડી સાંજે સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ૨.૮નો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના આંચકાના લીધે લોકો પોતાના ઘરમાંથી બહાર આવી ગયા હતા. જોકે આ ભૂકંપથી કોઈ જાનહાનિ સર્જાઈ નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી ૨૫ કિ.મી. દૂર સાઉથ ઈસ્ટમાં નોંધાયું છે. અગાઉ બીજી ઓગસ્ટે ધોળાવીરા અને નજીકના વિસ્તારોમાં પણ ૨.૯ની તીવ્રતાનું કંપન નોંધાયું હતું.

જીતુ વાઘાણીના ખેતરમાં પાણીનો ટાંકો ફાટતાં બે મહિલાનાં મોત

સિહોર: કનાલ રોડ પર મહાદેવપુરા વિસ્તારમાં આવેલી પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખની માલિકીની વાડીમાં ૭મી ઓગસ્ટે પાણીનો ટાંકો ફાટી પડ્યો હતો. તે વખતે ત્યાં નજીકમાં ચોકડીમાં કપડાં ધોઈ રહેલી બે મહિલા ભાગ્યા લક્ષ્મીબહેન બુધાભાઈ જાંબુચા (ઉં. ૪૮) તથા મધુબહેન ભરતભાઈ બાંભણિયાના માથે ટાંકાની દીવાલ પડતાં બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં બંનેનાં મોત થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter