• જ્વેલર્સની દુકાનમાં ધોળા દિવસે લૂંટ અર્થે ફાયરિંગઃ ભરૂચના પાંચબત્તીમાં અંબિકા જ્વેલર્સની દુકાનમાં સોમવારે બપોરે ૪ જણા ઘૂસી આવ્યા હતા. દુકાનનો સ્ટાફ કે જ્વેલર્સ કંઈ સમજે તે પહેલાં જ એક ઘૂસી આવેલામાંથી એક જણે પિસ્તોલથી ફાયરિંગ કરતાં પિતરાઈ ભાઈઓ ઈજાગ્રસ્ત થયા હતા. એક વ્યક્તિને પેટમાં અને એકને હાથમાં ગોળી વાગતાં પ્રથમ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગોળીબાર બાદ દુકાનના માલિકોએ લૂંટારુ ટોળકીને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક લૂંટારુના હાથમાંથી રિવોલ્વર ઝૂંટવી લેવામાં સફળતા મળી હતી. આ ઘટનાથી રોડ પર દોડાદોડ થઈ હતી. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે આ કેસમાં વધુ તપાસ આદરી છે.
• લાંચ કેસમાં સસ્પેન્ડ PSI શ્વેતા સામે ચાર્જશીટઃ દુષ્કર્મના આરોપી પાસેથી રૂ. ૩૫.૧૨ લાખના લાંચકાંડમાં જેલવાસ ભોગવી રહેલી મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજા સામે એસઓજીએ સ્પે. એસીબી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. આ ચાર્જશીટમાં પોલીસે ૪૭ સાક્ષીઓના નિવેદન અને સંખ્યાબંધ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યાં છે. આ ઉપરાંત શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર આડેદરાને ભાગેડુ દર્શાવ્યા છે. પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, શ્વેતાએ પાસા નહીં કરવા ધમકી આપી લાંચ માગી હતી અને તે લાંચની રકમ મહિલા કર્મચારી આંગડિયા પેઢીમાં આપવા ગઇ હતી. હાઈ કોર્ટમાં શ્વેતા જાડેજાએ કરેલી જામીન અરજી હવે વીડ્રો કરીને નવેસરથી નીચલી કોર્ટમાં કરવી પડશે.
• પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવીઃ એસજી હાઈવે પર અંદાજ પાર્ટી પ્લોટથી મહંમદપુરા તરફ જતા રોડ પર માણેકબાગમાં પ્રણવ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રમોદ પટેલની થયેલી હત્યામાં પોલીસે તેની પત્ની કિંજલ અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. મરનારના ૧૮ વર્ષ નાની યુવતી સાથે ત્રીજાં લગ્ન હતાં જ્યારે ત્રીજી પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો. તેથી પતિથી છુટકારો મેળવવા તેણે અને તેના પ્રેમીએ ભેગા મળીને રૂ. ૫ લાખની સોપારી આપીને યુવાનની હત્યા કરાવી હતી. હત્યા થઇ તે રાતે તે રોડ ઉપર એક શંકાસ્પદ કાર સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ ઉપરાંત પોલીસે પ્રમોદભાઈ અને કિંજલની કોલ ડિટેઈલ
ચેક કરતાં ભાંડો ફૂટ્યો હતો. કોલ ડિટેઈલમાં કિંજલે અમરતભાઇ રબારી સાથે શંકાસ્પદ વાતો કરી હતી જેથી પોલીસે અમરતભાઇની અટક કરી પૂછપરછ કરતાં તેણે કિંજલના કહેવાથી તેના મિત્ર
સુરેશ સહિતના સાથે મળી પ્રમોદભાઈની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.